ભ્રષ્ટ અધિકારીઓને ઝડપાવતા ટ્રેપમેન

મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતા અને જશુભાઈ તરીકે ઓળખાતા ૬૧ વર્ષીય જયસુખભાઈ વાઘાણી સરકારી કચેરીઓમાં કામ અર્થે અધિકારી-કર્મચારીઓને લાંચ આપવાના સખત વિરોધી છે. કોઈ પણ અધિકારી-કર્મચારી લાંચ માગે કે તરત જ જશુભાઈ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)નો સંપર્ક કરીને એક ટ્રેપ ગોઠવે અને જે-તે અધિકારીને પકડાવી દે. અત્યાર સુધી આયકર વિભાગ, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના અનેક અધિકારીઓને જશુભાઈએ તેમની ટ્રેપમાં ફસાવીને પકડાવ્યા છે. જશુભાઈ હવે ટ્રેપમેન તરીકે ઓળખાય છે.

જશુભાઈ ઈલેક્ટ્રોનિક્સ સામાનનો વેપાર કરે છે. બહુ નાના પાયે શરૂ કરેલો તેમનો ધંધો આજે કરોડોનું ટર્નઓવર કરે છે. તેઓ પ્રામાણિકપણે ઈન્કમટેક્સ-સેલ્સટેક્સ પણ ભરે છે. જોકે આટલા મોટા ધંધા સામે સરકારી અધિકારીઓ ચૂપ કેવી રીતે બેસી શકે? ધંધાની તપાસમાં અધિકારીઓએ જશુભાઈને સતાવવાનું શરૂ કર્યું. તપાસના બહાને તેમની દુકાનોની ફાઈલો વારંવાર ચેક કરવામાં આવતી. આ ઝંઝટમાંથી છૂટવા તેમની પાસે પૈસાની માગણી પણ કરવામાં આવતી. આવી સ્થિતિમાં ગભરાયા વગર પ્રામાણિકતાને વરેલા જશુભાઈએ લાંચરુશવત વિરોધી બ્યૂરોનો સંપર્ક કરીને લાંચિયા અધિકારીઓને પકડાવવા ટ્રેપ ગોઠવવા માંડી.

૧૯૯૩માં તેમણે પ્રથમ ટ્રેપ ગોઠવીને મુંબઈ મહાનગરપાલિકાના લાઇસન્સ વિભાગના બે ઈન્સ્પેક્ટરોને પકડાવી દીધા. પછી તો મુંબઈ ક્રાઈમબ્રાંચના એક અધિકારી અને મીરા રોડ પોલીસમથકના એક ઈન્સ્પેક્ટરને તેમની જ ઓફિસમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાવ્યા. બાદમાં એસેસમેન્ટ ઑર્ડરની નોટિસ આપીને ત્રણ લાખની લાંચ માગનાર થાણેના આયકર વિભાગના એડિશનલ કમિશનર પંકજ ગર્ગ અને અન્ય અધિકારી અનિલ મલાલને પણ જશુભાઈએ ટ્રેપ ગોઠવીને પકડાવી દીધા. આ કેસમાં સીબીઆઈએ ભ્રષ્ટ અધિકારી ગર્ગની મિલકત પણ સીલ કરી દીધી હતી અને જશુભાઈ જે સોસાયટીમાં રહે છે તેના સેક્રેટરીને પણ જેલમાં જવું પડ્યું હતું. આમ, તેઓ લાંચની માગણી કરતા અનેક સરકારી અધિકારીઓ-કર્મચારીઓને જેલની હવા ખવડાવી ચૂક્યા છે.

હાલમાં જ ફરીથી જશુભાઈએ તેમની સોસાયટીના એસેસમેન્ટ ટેક્સ બાબતે એક સક્સેસફુલ ટ્રેપ ગોઠવી જેથી તેમની ચર્ચા ફરીથી થવા લાગી છે. જશુભાઈ હાલ તેમની સોસાયટીના અધ્યક્ષ છે. તેમની સોસાયટી દ્વારા એન.એ. (નોન એગ્રિકલ્ચરલ ટેક્સ) ભરવામાં આવ્યો નથી. આથી મહેસૂલ વિભાગ દ્વારા સોસાયટીને નોટિસ મોકલીને ચાર વર્ષનો બાકી ટેક્સ અને ચાલીસ ગણો દંડ મળીને કુલ ૬૧ર૦૦૦ રૂપિયા ભરવા નોટિસ ફટકારાઈ છે. આથી જશુભાઈએ દંડની રકમ ઓછી કરવા મહેસૂલ વિભાગની કચેરીના ક્લાર્ક ઋષિકેશ ઈટાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેણે દોઢ લાખ રૂપિયાની લાંચ માગી. જશુભાઈએ એક ટ્રેપ ગોઠવીને તેને લાંચ લેતા રંગેહાથ પકડાવી દીધો.

આ ઘટના વિશે વિગતવાર જણાવતાં જશુભાઈ કહે છે, “સોસાયટી માટે આટલી મોટી રકમ ભરવી શક્ય ન હોઈ મહેસૂલી ક્લાર્કને કેટલી રાહત મળી શકે? તે અંગે પૂછતાં તેણે મહેસૂલ અધિકારી જે. જે.મોરેને પૂછીને જણાવવા કહ્યું. બાદમાં દોઢ લાખ રૂપિયાની લાંચ માગતાં કહ્યું કે, “લાંચ આપશો તો દંડની રકમ ચાલીસને બદલે દસ ગણી કરાવી દઈશ.” સોસાયટીના સદસ્યો વચ્ચે આ બાબતે ચર્ચા કરતાં તમામે મારા પર જવાબદારી ઢોળી.

જોકે આ રીતે રકમ ભરવામાં સોસાયટીને પહોંચ મળશે કે કેમ તે પૂછતાં ઋષિકેશભાઈએ પહોંચ આપવાનો વાયદો કર્યો અને એક લાખ રૂપિયામાં સોદો નક્કી કરાયો. બાદમાં મેં એન્ટિ કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો. તેમણે મને ઋષિકેશને રકમ આપવા જણાવ્યું. ૧૭ ફેબ્રુઆરીએ એસીબીની ટીમ તથા એક પંચ મારી સાથે આવ્યાં. ઋષિકેશને રૂપિયા આપ્યા બાદ મેં પંચને ઈશારો કરી દીધો એટલે તરત જ એસીબીએ તેને પકડી લીધો. તેના ડ્રોઅરમાંથી મેં આપેલી પાઉડરવાળી નોટો પણ કબજે લઈને તેની ધરપકડ કરવામાં આવી અને મહેસૂલી અધિકારીનું પણ સ્ટેટમેન્ટ લેવાયું.”

મહેસૂલી અધિકારી પણ આ કિસ્સામાં સામેલ હતા? તે અંગે જશુભાઈ કહે છે, “ઋષિકેશે મને જે પહોંચ આપી તેના પર અધિકારીના હસ્તાક્ષર નહોતા તેથી તેઓ દોષી સાબિત થયા નથી”જોકે એક લાખની લાંચ લઈને ૬૧ર૦૦૦ને બદલે માત્ર રર૦૭૦૪ રૂપિયા ભરાવીને તેની પહોંચ આપી ત્યારે આટલી મોટી રકમ ઓછી કરવાનો તેમને અધિકાર હશે?

તે મુદ્દે જશુભાઈ કહે છે, “એ ખબર નથી, પરંતુ મેં ઋષિકેશને એક લાખ રૂપિયાની લાંચ આપવા સાથે રર૦૭૦૪ રૂપિયાનો ટેક્સ પણ ભરી દીધો. જેની પહોંચ પણ મને આપવામાં આવી. આટલી મોટી રકમનું કઈ રીતે સેટલમેન્ટ થયું એ તો અધિકારીઓ- કર્મચારીઓ જ જાણે.”સરકારી અધિકારીઓ તમને સતાવશે તેવો ડર નથી લાગતો? એ અંગે જશુભાઈ કહે છે, “હવે તેઓ વિચારી રહ્યા હશે કે આ વ્યક્તિના લફરામાં ક્યારેય ન પડવું.”

લતિકા સુમન

You might also like