કોર્પોરેટરોને ૪૦ હજારનાં લેપટોપ, ૨૦ હજારના સ્માર્ટ ફોનની ‘ભેટ’

અમદાવાદ: ભાજપ શાસિત કોર્પોરેશનના ૨૦૧૫થી ૨૦ર૦ની નવી ટર્મના ૧૯૨ કોર્પોરેટરોને પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચાલીસ હજારનું લેપટોપ અને વીસ હજારના સ્માર્ટ ફોનની ભેટ મળવાની છે. મ્યુનિ. સત્તાવાળાઓએ લેપટોપ-સ્માર્ટ ફોનની ખરીદીની દિશામાં કવાયત આરંભી પણ દીધી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના સુધારિત બજેટમાં કોર્પોરેટરોનું વાર્ષિક બજેટ રૂ.૨૧ લાખનું કરી દેવાયું છે. ભાજપના સત્તાધીશોની આ ઉદારતાના પગલે નવા કોર્પોરેટરોના વાર્ષિક બજેટમાં સીધો વાર્ષિક ચાર લાખનો વધારો થઈ ગયો છે.

છેલ્લી ૨૦૧૦-૧૫ના ટર્મના કોર્પોરેટરોને પણ કોર્પોરેશન તરફથી લેપટોપ પૂરા પડાયા હતા. તેમ છતાં છેલ્લી ટર્મના કોર્પોરેટરોએ લેપટોપનો ભાગ્યે જ ઉપયોગ કર્યો હતો. દર મહિને મળતી કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ જે તે મસ્ટર સ્ટેશન પર ગટર, પાણીને લગતી નોંધાયેલી ફરિયાદ ચિઠ્ઠીઓ જ દર્શાવાઈ હતી. જૂના ૧૯૨ કોર્પોરેટરો પૈકી અસિત વોરાને છોડીને કોઈએ પોતાના લેપટોપ પરત કર્યાં નથી.

આ જૂના કોર્પોરેટરો પૈકી ફરીથી ચૂંટાયેલા કોર્પોરેટરો તો સમજ્યા પણ જે પૂર્વ કોર્પોરેટરો આ વખતે ચૂંટણી હારી ચૂક્યા છે કે જે પૂર્વ કોર્પોરેટરોને જે તે રાજકીય પક્ષ દ્વારા ફરીથી ટિકિટ ફાળવાઈ ન હતી તેવા પૂર્વ કોર્પોરેટરોએ નવી ટર્મમાં ચૂંટાઈ આવ્યા બાદ પોતાના લેપટોપ કે મોબાઈલ ફોન પરત કરવાના બદલે ઘરભેગા જ કર્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આગામી દસ-પંદર દિવસમાં જાહેર થનારી નવી નીતિમાં પણ જૂના કોર્પોરેટરોએ લેપટોપ- સ્માર્ટ ફોન મ્યુનિ. તંત્રને પરત કરવાની શરત રખાશે નહીં. બીજા અર્થમાં નવી ટર્મ ૨૦૧૫-૨૦ના કોર્પોરેટરો પણ આગામી ઓક્ટોબર-૨૦૨૦માં ટર્મ પૂરી થવાની સાથે જ નવા અપાયેલા લેપટોપ-સ્માર્ટ ફોનને ઘરે રાખી શકશે! હાલ તો રૂ.૧.૦૫ કરોડના ખર્ચે નવા લેપટોપ-સ્માર્ટફોન આવી રહ્યા હોઈ તમામ કોર્પોરેટરોના ચહેરા પર તાજગી જોવા મળી રહી છે!

આ અંગે એક ટોચના હોદ્દેદાર કહે છે, ‘પાંચ વર્ષ બાદ અત્યારના લેપટોપ અને સ્માર્ટ ફોન એટલી હદે જૂના થઈ જશે કે તેના ભંગારનો પણ કોઈ લેવાલ નહીં હોય! એટલે કોર્પોરેટરો પાસેથી ટર્મ પૂરી થતાં લેપટોપ-સ્માર્ટ ફોન પરત લેવાનો કોઈ અર્થ નહીં રહે! લોકો માટે કોર્પોરેટરોને આવી સુવિધા આપવી જરૂરી પણ બને છે!’

You might also like