બહુ ગાજેલી ‘અમૃત’ યોજનામાં મ્યુનિ.ને રૂ.૫૦ કરોડની ચણા-મમરા જેટલી રકમ મળશે!

અમદાવાદ: અગાઉની કેન્દ્રની યુપીએ સરકાર વખતે અમદાવાદ કોર્પોરેશનને રૂ. ૫૫૦૦ કરોડની ગ્રાન્ટ મળી હતી, પરંતુ હવે એનડીએ સરકારે ‘અમૃત’ યોજના દાખલ કરી છે, પરંતુ આ બહુ ગાજેલી ‘અમૃત’ યોજના હેઠળ કોર્પોરેશનને રૂ. ૫૦ કરોડની ચણા-મમરા જેટલી રકમ જ મળવાની છે.

મ્યુનિ. કોર્પોરેશનના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ડ્રાફ્ટ બજેટમાં તંત્ર દ્વારા રૂ. ૨૯૮૦ કરોડના સૂચિત વિકાસકામોની યાદી તૈયાર કરાઇ છે, જેમાં ‘અમૃત’ યોજના હેઠળ કેન્દ્ર સરકારની ગ્રાન્ટનાં કામો માટે રૂ. ૫૦ કરોડની રકમ દર્શાવાઇ છે.

‘અમૃત’ યોજના હેઠળ કોર્પોરેશન દ્વારા ૨૪ કલાક પાણીના પુરવઠાના પ્રોજેક્ટ હેઠળ નવા વાડજના કિરણપાર્ક, શ્રીનાથ, અંકુર, સોલા, પ્રગતિનગર અને મેમનગર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ખાતે રૂ. ૧૧૮૦ કરોડના ખર્ચે ૨૪ મીટર ઊંચી ઓવરહેડ ટાંકી, રૂ. ૬૧.૯૬ કરોડના ખર્ચે પાણીના નેટવર્કનું અપગ્રેડેશન વગેરે કામ હાથ ધરવાનું છે. સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૯૧.૮૪ કરોડનો છે, પરંતુ આ માટે ‘અમૃત’ યોજના હેઠળ આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૨૦ કરોડનું બજેટ ફાળવાયું છે.

આ ઉપરાંત જૂના વાડજના જલવિહાર સુઅેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનનો રૂ. ૮૨ કરોડનો પ્રોજેક્ટ પણ ‘અમૃત’ યોજના હેઠળ હાથ ધરાશે. આ પ્રોજેક્ટના ખર્ચ પૈકી ‘અમૃત’ યોજના હેઠળ કેન્દ્ર દ્વારા રૂ. ૨૭.૩૩ કરોડ અપાશે. રાજ્ય સરકાર રૂ. ૧૬.૪૦ કરોડની ગ્રાંટ આપશે અને બાકીના રૂ. ૩૮.૨૦ કરોડ કોર્પોરેશન ભોગવશે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૩૦ કરોડ ફાળવાયા છે.

આમ, બહુ ગાજેલી ‘અમૃત’ યોજનાથી કોર્પોરેશનમાં આ બે નાના પ્રોજેક્ટ કરતાં અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાશે નહીં, જ્યારે જેએનયુઆરએમ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં બીઆરટીએસ, ઇડબલ્યુએસ, સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ, ઇ-ગવર્નન્સ, ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ, બ્રિજ તથા ફ્લાયઓવરના મોટા મોટા પ્રોજેક્ટ સંપન્ન થઇ શક્યા હતા. પાણી, ડ્રેનેજ, એસટીપી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પણ કરોડોના પ્રોજેક્ટ સાકાર કરાયા હતા.

You might also like