કંપનીને કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા

‘પહેલું સુખ તે જાતે નર્યા’ આ ગુજરાતી કહેવત તો સાંભળી જ હશે. જો સ્વાસ્થ્ય સારંથ હશે તો મન સ્વસ્થ રહેશે અને મન સ્વસ્થ હશે તો કામ સારું થશે. આવી જ વિચારસરણી ધરાવતી કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત બની છે. એટલા માટે જ કર્મચારીઓની હેલ્થને લઇને અવનવી સુવિધાઓ
પૂરી પાડે છે.

દરેક કોર્પોરેટ કંંપની એવું ઇચ્છતી હોય છે કે પોતાને ત્યાં કામ કરતો કર્મચારી સ્વસ્થ રહે. તેથી જ કંપનીઓ દ્વારા સ્વસ્થ વાતાવરણ સાથે સ્વાસ્થ્યલક્ષી ભોજન પણ કર્મચારીઓને પૂરું પાડવામાં આવે છે. કર્મચારીઓ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રહે તે માટે ફિટનેસ બેન્ડ પૂરા પાડવામાં આવી રહ્યા છે. જેમાં કર્મચારીઓને હેલ્ધી ફ્રૂટ્સ ચાટ ને ફ્રૂટ જ્યૂસ સાથે હેલ્ધી ડાયટ અપાય છે. કોર્પોરેટ સેક્ટરમાં કાર્યભારની સાથે ઘણી વખત કેટલાક કર્મચારીઓના ડાયટ ખોરવાઈ જાય છે. ત્યારે આ પ્રકારના ફિટનેસ બેન્ડ દ્વારા કર્મચારીઓને હેલ્ધી ફૂડ આપીને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન કંપનીઓ જ રાખી રહી છે.

ઓનલાઇન ઓર્ડર લઇને ફૂડની ડિલિવરી કરતા મહેશ ચૌધરી કહે છે “મેં હાલમાં જ આવી રીતે ફ્રૂટ્સ અને જ્યૂસ માટે કોર્પોરેટ કંપની સાથે ટાઈઅપ શરૃ કર્યું છે. મારી પાસે ૪-૫ કોર્પોરેટ કંપનીના બલ્ક ઑર્ડર છે. સિઝનલ ફ્રેશ ફ્રૂટ્સ અને જ્યૂસ રાખું છું. વિવિધ સ્કિમ અંતર્ગત અમે ઑર્ડર બુક કરીએ છીએ. વધારે ઑર્ડર હોય તો ડિલિવરી પણ ફ્રી કરીએ છીએ. અમારે ત્યાં અમેરિકા, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, ફ્રાન્સ, ઈટાલી, ચીન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા આ દરેક દેશનાં ફ્રૂટ્સ ઉપલબ્ધ છે. જેથી અમે રોજ નવાંનવાં ફ્રૂટ્સ ગ્રાહકોને આપી શકીએ અને તેમને ખુશ પણ રાખી શકીએ. અમારે ત્યાં ૧૦૦ રૃપિયાથી પેકેજ શરૃ થાય છે.”

શહેરની જાણીતી કોર્પોરેટ કંપનીના માલિક મનન સુતરિયા કહે છે કે, “મારી કંપનીમાં ૩૫૦થી ૪૦૦ કર્મચારીઓનો સ્ટાફ છે. હું ઇચ્છું છુંં કે મારો દરેક કર્મચારી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. એટલે મેં મારી કંપનીમાં એક ફ્લોર પર જિમનાં મશીન લાવીને જિમ ચાલુ કરી દીધું છે. સાથે જ એક ફ્રૂટ એપ્સ સાથે જોડાઈને બપોરના સમયે તમામ કર્મચારીઓ માટે ફ્રૂટ્સ ચાટનો નિયમિત ઑર્ડર બુક કરાવ્યો છે. તમામ કર્મચારીઓ માટે બપોરના ચાર વાગ્યાની આસપાસ ફ્રૂટ ચાટ આવે છે. ”
વૈદેહી ઠક્કર કહે છે કે, “હું છેલ્લાં ૩ વર્ષથી એક કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું. સવારે ઘરેથી નાસ્તો કરીને આવું છું પણ લંચ લાવતી નથી. હું હેલ્થ કોન્સિયસ પણ છું ને હેલ્ધી ફૂડ જ ખાવાનું પસંદ કરું છું, પરંતુ મારી કંપનીએ એક ફ્રૂટની એપ્લિકેશન સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. જેના દ્વારા અમને ફ્રૂટ્સ, ફ્રૂટ જ્યૂસ ઓફિસ પર આપી જાય છે. જે ખૂબ જ હેલ્ધી છે.”

કૃપા મહેતા

You might also like