ગ્રીન અમદાવાદઃ કોર્પોરેટ કંપનીઓએ હવે ફરજિયાત વૃક્ષારોપણ કરવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અગાઉ પણ ‘ગ્રીન અમદાવાદ’નો સંકલ્પ કરાયો હતો. શહેરમાં ગરમીની તીવ્રતામાં સતત થઇ રહેલી વૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ ઘટાદાર વૃક્ષોનો અભાવ છે. દર ચોમાસામાં મ્યુનિસિપલ તિજોરીમાંથી વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે, પરંતુ તેનું અસરકારક પરિણામ મળતું નથી, જેના કારણે આ ચોમાસામાં કમિશનર વિજય નેહરાના આદેશથી અમદાવાદને લીલુંછમ બનાવવાના પ્રયાસ પર તંત્ર દ્વારા અત્યારથી ભાર મુકાઇ રહ્યો છે. જે હેઠળ પ્રથમ વાર સીજીરોડની જેમ શહેરના માર્ગો પર ૧૦ થી ૧ર ફૂટ ઊંચા પાંચ લાખ આસોપાલવ, લીમડા- ગુલમોર જેવાં વૃક્ષોના રોપા વવાશે.

તંત્ર દ્વારા દર વર્ષે તા.પ જૂને, ‘આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરાય છે. પ્રત્યેક ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે સત્તાવાળાઓ પર્યાવરણની સુરક્ષા માટે મોટી મોટી જાહેરાતો કરે છે. ગ્રીન કેલેન્ડરની પ્રસિદ્ધિ કરાય છે, પરંતુ નાગરિકોને હરિયાળું અમદાવાદ મળતું નથી. ‘છોડમાં રણછોડ’ જેવાં પહેલી નજરે આકર્ષક લાગતાં સૂત્રો અમદાવાદીઓને ભીષણ ગરમીમાં વૃક્ષોની શીતળ છાંય આપી શકતાં નથી.

ગયા ચોમાસામાં તંત્ર દ્વારા ૧ થી ૧.રપ લાખ રોપા વવાયા હતા, જોકે રોપાની માવજત પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું ન હોઇ ૪૦ થી ૪પ ટકા રોપા નિષ્ફળ ગયા હતા. આમાં નાના રોપાને ગાય ખાઇ જાય છે કે વાતાવરણ-જમીન અનુકૂળ ન આવવાં તેમજ પૂરતું પાણી મળ્યું નહીં હોય તેવાં કારણો તંત્ર દ્વારા આગળ ધરાય છે.

પરંતુ આ વખતે આગામી તા.૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધી તંત્ર શહેરમાં વિક્રમજનક પાંચ લાખ નાના રોપા વાવશે. આ ઉપરાંત પાંચ લાખ મોટા રોપા વાવીને કુલ દસ લાખ રોપાથી શહેરને લીલુંછમ બનાવવાનો પ્રયાસ કરશે. હાલમાં મ્યુનિસિપલ બાગ-બગીચા વિભાગ પાસે ૬પ હજાર મોટા રોપા છે. વન વિભાગ પાસેથી બે લાખ મોટા રોપા મેળવાશે. જ્યારે અન્ય રોપા માટે કોર્પોરેટ કંપનીઓનો સહકાર લેવાશે, જ્યારે પાંચ લાખ નાના રોપામાં તંત્ર પાસે ૧.રપ લાખ નાના રોપા હોઇ અન્ય રોપા તંત્રની નર્સરીમાં તૈયાર કરાશે.

શહેરમાં કાર્યરત કોર્પોરેટ કંપનીઓને પહેલી વાર મ્ય‌ુનિસિપલ સત્તાવાળા ‘સીએસઆર’ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ હેઠળ વૃક્ષારોપણ માટે ફરજ પાડશે. કોર્પોરેટ કંપનીઓ પણ અમદાવાદને હરિયાળું બનાવવા માટે આગળ આવે તેના પર વહીવટીતંત્રના ઉચ્ચ સ્તરેથી ભાર મૂકાયો હોઇ આ બાબત પણ વૃક્ષારોપણના મામલે તંત્રના નવા અભિગમ તરીકે જોવાઇ રહી છે.

શહેરમાં છેલ્લે વન વિભાગ દ્વારા વર્ષ ર૦૧રમાં વૃક્ષોની ગણતરી હાથ ધરાઇ હતી તે વખતે અમદાવાદમાં અંદાજે સાતેક લાખ વૃક્ષ હોઇ તેમાં લીમડાનાં વૃક્ષ સૌથી વધુ હતાં. વર્ષ ર૦૧રની વૃક્ષ ગણતરી હેઠળ શહેરમાં ૪.૬૬ ટકા ગ્રીનરી હતી, જેમાં અત્યારે ર૦૧૯માં મામૂલી વધારો થયો છે.

હાલમાં શહેરની ગ્રીનરી માંડ પ.રપ ટકા હોઇ છેલ્લાં સાત વર્ષના સત્તાવાળાઓના પ્રયાસ અને વૃક્ષારોપણ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પણ શહેરની ગ્રીનરીમાં માત્ર ૦.૮૦ ટકા એટલે કે એક ટકાનો પણ વધારો થયો નથી. અમદાવાદમાં એક સમયે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર સૌથી હરિયાળો વિસ્તાર હતો, જે હવે ગ્યાસપુર ગણાય છે અને ખાડિયામાં સૌથી ઓછી હરિયાળી છે. એક પ્રકારે અમદાવાદમાંથી હરિયાળી દિવસે ને દિવસે મૃતપ્રાય થઇ રહી હોઇ આ વખતે સત્તાધીશો ચોમાસા પહેલાં કાર્યરત થયા છે.

You might also like