ગરમીમાં IPO બજાર કૂલ, ઇન્ડો સ્ટાર કેપિટલના આઇપીઓને મળ્યો નબળો પ્રતિસાદ

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાય સમયથી અનિશ્ચિચતાભર્યા માહોલ વચ્ચે સુધારાની ચાલનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેની અસર પ્રાઇમરી બજારમાં પણ નોંધાયેલી જોવા મળી છે. આજે ઇન્ડો સ્ટાર કેપિટલના આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું, જેમાં પણ ખૂબ જ નબળો પ્રતિસાદ જોવાયો હતો.

કંપનીએ રૂ. ૫૭૨ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો, જે સાધારણ ૧.૪૧ ટકાના સુધારે એટલે કે રૂ. ૫૮૦ના મથાળે ખૂલ્યો હતો, જોકે આ શેર શરૂઆતે એક તબક્કે રૂ. ૬૦૬ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ આઇપીઓ આવ્યા હતા, જેમાંથી છ આઇપીઓમાં હાલ પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે, જ્યારે ચાર આઇપીઓ તેના ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યા છે.

રસપ્રદ બાબત એ છે કે મિશ્ર ધાતુના આઇપીઓના લિસ્ટિંગના દિવસે રોકાણકારને કોઇ રિટર્ન મળ્યું ન હતું, પરંતુ પાછલા ત્રણ મહિનામાં આવેલા આઇપીઓમાં સૌથી વધુ એટલે કે ૫૫ ટકા હાલ રિટર્ન મળી રહ્યું છે, જ્યારે બંધન બેન્કમાં ૨૭ ટકા રિટર્ન છૂટી રહ્યું છે.

બીજી બાજુ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટી કંપનીનો શેર તેના ઈશ્યૂ પ્રાઇસથી ૨૬ ટકા નીચે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે, જ્યારે જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સના આઇપીઓમાં ૧૪ ટકા નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.

કંપનીનું નામ લિસ્ટિંગ ગેઈન હાલ મળતું રિટર્ન
ઈન્ડો સ્ટાર કેપિટલ + ૧.૪૧ ટકા (આજે શરૂઆતે)
લેમન ટ્રી + ૨૭.૮૬ ટકા + ૧૪.૧૧ ટકા
ICICI સિક્યોરિટી – ૧૪.૪૧ ટકા – ૨૬.૫૭ ટકા
મિશ્ર ધાતુ ૦૦ ટકા + ૫૫.૩૯ ટકા
સંધાર ટેક્નો. – ૨.૮૫ ટકા + ૨૧.૪૫ ટકા
કાદરા કન્સ્ટ્રક્શન – ૨૦.૬૭ ટકા – ૨.૩૧ ટકા
હિંદુસ્તાન એરોનોટિક્સ – ૭.૧૩ ટકા – ૧૪.૯૧ ટકા
બંધન બેન્ક + ૨૭.૨૫ ટકા + ૨૭.૫૩ ટકા
ભારત ડાયનેમિક્સ – ૮.૭૧ ટકા – ૧૩.૫૦ ટકા
એચ.જી. ઇન્ફ્રા. + ૦.૦૨ ટકા + ૨૧.૯૪ ટકા

You might also like