શાનદાર એલિસ્ટર કૂક આજે છેલ્લી વાર ઊતરશે મેદાનમાં

લંડનઃ તા. ૧ માર્ચ, ૨૦૦૬ની વાત છે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન મેદાન પર અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. એ આ મેદાન પરની અંતિમ, પરંતુ ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હતી.

કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ૨૧ વર્ષનો એક દૂબળો-પાતળો ડાબોડી ઈંગ્લિશ બેટ્સમેન પોતાની પ્રથમ ટેસ્ટમાં જ ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યો. તેણે એસ. શ્રીસંત, ઇરફાન પઠાણ, હરભજનસિંહ અને અનિલ કુંબલે જેવા ભારતીય બોલર સામે શાનદાર સ્ટ્રેટ ડ્રાઇવ, સ્ક્વેર ડ્રાઇવ અને કટ લગાવીને પ્રથમ ઇનિંગ્સમાં ૬૦ અને બીજી ઇનિંગ્સમાં ૧૦૪ રન ઝૂડી કાઢ્યા.

આ મેચ ભલે ડ્રો રહી, પરંતુ ક્રિકેટ વર્લ્ડને એક શાનદાર સ્ટાર ખેલાડી મળી ગયો. એ સ્ટાર ખેલાડીએ ગઈ કાલે ઓવલ સ્ટેડિયમમાં ૧૨ વર્ષ બાદ એ જ ટીમ સામે ૩૩ વર્ષની ઉંમરે પોતાની અંતિમ ટેસ્ટની અંતિમ ઇનિંગ્સમાં ૧૪૭ રન બનાવીને કરિયરનો અંત આણ્યો. એ સ્ટાર ખેલાડી છે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો એલિસ્ટર કૂક!

પોતાની અંતિમ ટેસ્ટ મેચ પહેલાં કૂક ૪૨ ટેસ્ટ ઇનિંગ્સમાં ફક્ત પાંચ વાર ૫૦નો આંકડો પાર કરી શક્યો હતો. કૂક વર્તમાન શ્રેણીની પાછલી ચાર ટેસ્ટની સાત ઇનિંગ્સમાં ફક્ત ૧૦૯ રન જ બની શક્યો હતો. આ તેનું નિવૃત્તિ લેવાનું સૌથી મોટું કારણ હતું.

તે ઇચ્છતો હતો કે ઈંગ્લેન્ડ શ્રેણી જીતી રહી હોય એ ખુશી સાથે જ તે ક્રિકેટને અલવિદા કહી દે, પરંતુ તેની અંતિમ ટેસ્ટ આટલી કમાલની નીવડશે એનો અંદાજ ખુદ કૂકને પણ નહોતો.

સાઉથમ્પટન ટેસ્ટ દરમિયાન તે પોતાની પત્ની અને બાળકો સાથે ટીમ હોટલમાં રહેતો હતો. તેની પત્ની ત્રીજી વાર માતા બનવાની હતી. તે અંદર અંદર જ પોતાના ફોર્મથી દુઃખી હતો, પરંતુ તે જાહેર થવા દેતો નહોતો.

અંતિમ ટેસ્ટમાં તેણે એ બધાં દુઃખોને ખુશીમાં તબદિલ કરી દીધાં. દરેક ખેલાડી આવી જ વિદાય ઇચ્છતો હોય છે. તેણે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૭૧ અને બીજી ઇનિંગ્સમાં ૧૪૭ રન બનાવ્યા. આ સાથે જ તેણે કરિયરની ૩૩મી સદી પણ ફટકારી દીધી.

તે ૨૦૧૪માં જ વન ડે ક્રિકેટમાંથી નિવૃ‌િત્ત લઈ ચૂક્યો છે. ૨૦૦૯માં તેણે પોતાની અંતિમ ટી-૨૦ મેચ રમી હતી. કૂક એક શુદ્ધ ટેસ્ટ બેટ્સમેન તરીકે દુનિયાભરમાં જાણીતો છે. બેટ્સમેન તરીકે તે પોતાની ઇનિંગ્સ પૂરી કરી ચૂક્યો છે અને આજે મંગળવારે તે અંતિમ વાર એક ખેલાડી તરીકે ક્રિકેટના મેદાનમાં ઊતરશે.

બે મિનિટ સુધી તાળીઓ વાગતી રહીઃ આ મેચમાં કૂક શાનદાર ફોર્મમાં નજરે પડ્યો. તેણે એવી બેટિંગ કરી, જાણે કે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હોય. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ્સની ૭૦મી ઓવરમાં ફેંકવા જાડેજા આવ્યો. કૂક એ સમયે ૯૬ રને બેટિંગ કરી રહ્યો હતો. જાડેજાએ પ્રથમ બોલ ફેંક્યો.

કૂકે શોટ માર્યો. એ બોલ પર એક રન મળવાનો હતો, પરંતુ બૂમરાહે ઓવરથ્રો કરી દીધો અને બોલ બાઉન્ડરી લાઇનની બહાર ચાલ્યો ગયો. કૂક અને ઇંગ્લિશ ટીમને પાંચ રન મળ્યા. આ સાથે જ તેની ૩૩મી સદી પૂરી થઈ. કૂકની સાથે ક્રીઝ પર રહેલા કેપ્ટન જો રૂટના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળતી હતી.

સ્ટેડિયમમાં બેઠેલા બધા દર્શકોની સાથે કૂકનો પરિવાર પણ ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો. આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું હતું. કૂકે દર્શકોનું અભિવાદન ઝીલ્યું અને બે મિનિટ સુધી તાળીઓ વાગતી રહી હતી.

કૂકનો આ ‘વર્લ્ડ રેકોર્ડ’ કોઈ તોડી શકશે?
લંડનઃ ઇંગ્લેન્ડનાે મહાન બેટ્સમેન એલિસ્ટર કૂક પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યાે છે. આ કૂકની કારકિર્દીની ૧૬૧મી ટેસ્ટ મેચ છે. તેના નામે અનેક એવા રેકોર્ડ્સ નોંધાયા છે, જે ભાગ્યે જ કોઈ તોડી શકશે.

સતત સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો કૂકનો વર્લ્ડ રેકોર્ડ ભાગ્યે જ કોઈ તોડી શકશે. કૂકના રેકોર્ડની વાત કરીએ તો તે ઇંગ્લેન્ડ તરફથી સતત ૧૫૯મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. હાલના સમયમાં જે રીતે ક્રિકેટ રમાઈ રહી છે તેને જોતાં લાગે છે કે આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે.

વર્ષ ૨૦૦૬માં ભારત સામે નાગપુર ટેસ્ટમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર કૂક અત્યાર સુધીમાં ૧૬૧ ટેસ્ટમાંથી ૧૫૯ ટેસ્ટ સતત રમ્યાે છે એટલે કે ઇંગ્લેન્ડની ટીમમાં સિલેક્શન થયા બાદ તેણે માત્ર બે જ મેચ મિસ કરી છે.

You might also like