બેલેન્સની પેનલ્ટી નિવારવા બચત ખાતાં બેઝિક ખાતાંમાં કન્વર્ટ કરોઃ SBI

નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે માસિક સરેરાશ લઘુતમ બેલેન્સ નહીં જાળવવા બદલ વસૂલવામાં આવતી પેનલ્ટીને નિવારવા માટે ગ્રાહકો પોતાનું બચત ખાતું બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (બીએસબીડી)માં રૂપાંતર કરી શકશે છે.

જો બચત ખાતું બેઝિક એકાઉન્ટમાં બદલવામાં આવશે તો લઘુતમ બેલેન્સ નહીં જાળવવામાં અાવે તો પણ પેનલ્ટી લાગશે નહીં. બેન્કે આર્થિક અખબાર બિઝનેસલાઇનના એક અહેવાલ પર સ્પષ્ટતા કરી છે.

અખબારે ૪ ઓગસ્ટના રોજ એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ માસિક બેલેન્સ નહીં જાળવવા બદલ ગ્રાહકો પાસેથી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ ૧૧પ૦૦ કરોડની પેનલ્ટી વસૂલ કરી છે. એસબીઆઇ એકલાએ ર૦૧૭-૧૮ દરમિયાન રૂ.ર૪૦૦ કરોડ કરતાં વધુ રકમની પેનલ્ટી વસૂલ કરી હતી.

જોકે પ્રધાનમંત્રી જનધન યોજના, બેઝિક સેવિગ્સ બેન્ક ડિપોઝિટ ખાતાધારકો એ જ રીતે પેન્શનરો, સગીરો, સામાજિક સુરક્ષાના લાભાર્થીઓ વગેરેને સરેરાશ વાર્ષિક બેલેન્સ જાળવવાની જોગવાઇમાંથી મુક્તિ આપવામાં આવે છે. અને તેના ખાતામાંથી અા માટેની પેનલ્ટી વસૂલવામાં આવશે નહીં.

બેંક પાસે કુલ ૪ર.પ કરોડ બચત ખાતાંઓ છે જેમાંથી ૪૦ ટકા ખાતાઓ આ મુક્તિ કેટેગરી હેઠળ આવે છે. ગ્રાહકોને તેમના વર્તમાન બચત ખાતાંઓ હવે બીએસબીડી ખાતાઓમાં તબદીલ કરવાની છૂટ છે આ માટે કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. ગ્રાહકો પેનલ્ટી નિવારવા પોતાનાં બચત ખાતાં હવે બીએસબીડીમાં ટ્રાન્સફર કરી શકે છે.

You might also like