વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલેઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી : આતંકવાદ મુદ્દે ભારતે કહ્યું કે તે પાકિસ્તાન સાથે મંત્રણા ચાલુ રાખશે, કારણ કે યુદ્ઘ કોઈ સમસ્યાનો વિકલ્પ નથી. જોકે કેન્દ્ર સરકારે પાડોશી દેશ સમક્ષ એ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે વાર્તા અને આતંકવાદ સાથેસાથે ન ચાલી શકે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે લોકસભામાં કહ્યું હતું કે ૩૦મી નવેમ્બરે પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે કૉપ ૨૧ શિખર સંમેલન દરમિયાન થયેલી વાતચીત તથા તે અગાઉ રશિયાનાં ઉફા તેમજ તાજેતરમાં જ પેરિસમાં બંને નેતાઓ વચ્ચે સધાયેલી સંમતિ બાદ ભારત-પાકે. આતંકવાદ મુદ્દે મંત્રણાનો નિર્ણય કર્યો છે અને તે મુજબ જ બૅંગકૉકમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) કક્ષાની મંત્રણા થઈ. તેમણે કહ્યું, ‘એક જ બેઠકથી તમામ સમસ્યાઓનો ઉકેલ ન આવી શકે. તેથી અમે આતંકવાદ ઉપર વાત ચાલુ રાખીશું. સુષ્મા સ્વરાજે પ્રશ્નકાળ દરમિયાન સભ્યોના સવાલોનાં જવાબમાં કહ્યું, ‘યુદ્ઘ એક જ માર્ગ નથી. આ નવી પહેલ થઈ છે. શુભેચ્છાઓ આપો કે વાતચીતનો રસ્તો નિકળી શકે કે જેથી આતંકવાદનો ઓછાયો આપણા માથેથી ખસી શકે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં આતંકવાદી કૅમ્પો અંગે પણ વાત થઈ રહી છે.
તેમણે કહ્યું કે વાતચીત અંગે આપણે વિશ્વાસ રાખવો પડશે. આ નક્કી થઈ ચુકયું છે કે કાશ્મીર સહિત ભારત-પાકિસ્તાનની કોઈ પણ વિવાદાસ્પદ બાબતમાં કોઈ ત્રીજું દેશ મધ્યસ્થતા નહીં કરે. વાતચીત આપણે જ કરવાની છે. નવા વિશ્વાસ સાથે વાતચીતની નવી પહેલ થઈ છે.

You might also like