શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય તેમ છે, જો કે હવે સત્તાવાળાઓએ રહી-રહીને ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન ઓફિસરની નિમણૂક કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે, પરંતુ તેમાં દાયકાઓ જૂની શૈક્ષણિક લાયકાત તેમજ સીધી ભરતીનો વિવાદ ઊઠતાં મોટા ભાગનાં ફાયર બ્રિગેડનાં સ્ટાફમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે.

તંત્ર દ્વારા તાજેતરમાં એક ડેપ્યુટી ચીફ ઓફિસર, ચાર ડિવિઝનલ ઓફિસર અને ૧૮ સ્ટેશન ઓફિસરની નિમણૂક માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવાઇ રહી છે. ફાયર બ્રિગેડમાં અત્યાર સુધી પી.એસ.પરમાર ડેપ્યુટી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં.

પરંતુ ગયા મહિને એમ.પી.મિસ્ત્રી અને પી.એસ. પરમાર એમ બે ડિવિઝનલ ઓફિસરને ડેપ્યુટી ચીફ ઓફિસરનું પ્રમોશન અપાતાં તંત્રમાં આ હોદ્દા પર ત્રણ ઉચ્ચ અધિકારી ફરજ બજાવતા થયા છે, જોકે હવે ફાયર બ્રિગેડમાં એક પણ ડિવિઝનલ ઓફિસર રહ્યા ન હોઇ આ માટે કુલ ચાર જગ્યા ભરાશે.

બીજી તરફ શહેરનાં ૧૮ ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસરની નિમણૂક કરવાની દિશામાં કવાયત આરંભાઇ છે. સ્ટેશન ઓફિસર માટેની કુલ ૧૮ જગ્યા ભરાશે, જોકે હયાત સ્ટાફમાંથી પ્રમોશન આપીને સ્ટેશન ઓફિસરની જગ્યા ભરવાના બદલે સત્તાધીશો તમામ જગ્યાને સીધી ભરતીથી ભરશે.

પરિણામે વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમોશન મેળવવાથી વંચિત રહી જશે. તંત્ર દ્વારા સબ ઓફિસર માટે રપ જગ્યા ભરાશે. આ તમામ જગ્યાઓ પ્રમોશનથી ભરાશે, પરંતુ ફાયરમેનની લાયકાત ૧૦ પાસ છે. જ્યારે તેના ઉપરી અધિકારીની લાયકાત માત્ર ચાર પાસ રખાતાં તેનો પણ વિવાદ ઊઠ્યો છે.

જાણકાર સૂત્રો કહે છે કે હાલમાં ફાયર ક્ષેત્રમાં બીએસસી ફાયર એમએસસી ફાયર, બીટેક ફાયર અને એમટેક ફાયર જેટલું શિક્ષણ વધ્યું હોવા છતાં તંત્ર દ્વારા સ્ટેશન ઓફિસર, ડિવિઝનલ ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ આ ત્રણેય ઉચ્ચ જગ્યા માટે ધો.૧૦ પાસની પ૦ વર્ષ જૂની શૈક્ષણિક લાયકાત જાળવી રાખી છે.

ભવિષ્યમાં સ્ટેટ ફાયર સર્વિસની દિશામાં રાજ્ય સરકાર આગળ વધે ત્યારે ડિવિઝનલ ઓફિસરને જિલ્લાની જવાબદારી સોંપાશે તેવા સંજોગોમાં મેરિટના પ્રશ્નો સહિતના અન્ય વહીવટી પ્રશ્નો ઊભાં થશે.

ફાયર બ્રિગેડનાં સ્ટાફમાં પણ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ભરતીની પ્રક્રિયા સામે ભારોભાર અસંતોષ ફાટી નીકળ્યો છે, જોકે સત્તાવાળાઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. સત્તાવાળાઓ કહે છે કે શૈક્ષણિક લાયકાત સુધારવાની કાયદાકીય પ્રક્રિયા જ‌િટલ હોઇ તેમાં ઓછામાં ઓછું એક વર્ષ લાગે તેમ છે એટલે જૂની લાયકાત મુજબ નવી ભરતી કરાશે.

You might also like