બોડકદેવ પોલીસ સ્ટેશનનો વિવાદઃ બંને પક્ષે કાચું કપાયું

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે આપસી સંકલનના અભાવે કહો કે ઉતાવળ ગણો પરંતુ બોડકદેવ પોલીસ સ્ટેશનના નિર્માણના મામલે બન્ને પક્ષે કાચું કપાયું છે. જેના કારણે હવે અંદાજે રૂ.૬૦ લાખના ખર્ચ બનેલા બોડકદેવ પોલીસ સ્ટેશનને તોડી પાડવાની ઘડીઓ ગણાઇ રહી છે.

શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા સિંધુ ભવન રોડ પર આશરે છ મહિના પહેલાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવાયું છે. આ પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ આરસીસી સ્લેબ ઉપર ડોમથી બનાવાયું છે અને તેમાં ગાર્ડન, પ્લાન્ટેશન, લાઇટિંગ તેમજ શૌચાલય પાછળ રૂ.ર૦ લાખથી વધુ ખર્ચાયા છે. સમગ્ર પોલીસ સ્ટેશનનાં નિર્માણ પાછળ આશરે રૂ.૬૦ લાખ ખર્ચાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આમ તો આ જગ્યાએ બોડકદેવ પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ‌મ્યુનિસિપલ સત્તાવાળાઓ પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડમાં વિધિવત ઠરાવ કરીને આશરે ૯૦૦૦ ચોરસ મીટરના પ્લોટ પૈકીની આશરે ૩૦૦૦ ચોરસ મીટરની જગ્યા પોલીસ વિભાગને ફાળવી હતી. જો કે આ જગ્યાને ફાળવાયા બાદ તેની જંત્રી આધારિત રૂ.દોઢ કરોડની વધારેની કિંમત પોલીસ વિભાગ દ્વારા મ્યુનિસિપલ તિજોરીમાં જમા કરાવવાની હતી.

જે આજ દિન સુધી આ રકમ જમા કરાવાઇ નથી તેમ મ્યુનિસિપલ અધિકારીઓ જણાવે છે તો પ્લોટ માટે નિશ્ચિત રકમ જમા કરવી તેની અમને મૌખિક જાણ હતી પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ અંગે કોઇ લેખિત સૂચના જ આપી ન હતી તેવો દાવો પોલીસ અધિકારીઓનો છે. એટલે આ બાબતે મ્યુનિસિપલ સત્તાવાળાઓ અને પોલીસ વિભાગ વચ્ચેના આપસી સંકલનનો અભાવ સ્પષ્ટપણે જણાઇ આવે છે.

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પાણી-ગટરનાં કનેકશન માટે મ્યુનિ. તંત્રમાં રૂ.ચાર લાખ જમા કરાવવા અંગે પણ વિવાદ ઊઠ્યો છે. એક તરફ પોલીસ સત્તાવાળાઓ કહે છે, પાણી-ગટરનાં કનેકશન માટે આટલી રકમ મ્યુનિસિપલ તંત્રમાં ભરી છે તો બીજી તરફ મ્યુનિસિપલ અધિકારીઓ કહે છે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પાણી-ગટર કનેકશન માટે એક પણ રૂપિયો ભરાયો નથી. જો પોલીસ વિભાગ પૈસા ભર્યા હોય તેમ કહે છે તો પૈસા ભર્યાની પહોંચ બતાવે. બીજા અર્થમાં પાણી-ગટરનાં કનેકશનના મામલે પણ બન્ને પક્ષે માત્ર વાતો જ થઇ છે.

પોલીસ વિભાગને બોડકદેવ પોલીસ સ્ટેશનના નિર્માણ માટે અપાયેલો પ્લોટ ખરેખર તો તંત્રના મલ્ટિલેવલ પાર્કિંગનો છે. આ મલ્ટિલેવલ પાર્કિંગના કારણે બોડકદેવ પોલીસ સ્ટેશન પાછળના ભાગે હોઇ તે ઢંકાઇ જશે તેમ લાગતા આ જગ્યા માટે જે તે સમયે વિવાદ પણ ઊઠ્યો હતો. છેવટે ઘીના ઠામમાં ઘી પડે તેમ પોલીસ વિભાગે પાછળના પ્લોટ માટે સંમતિ દર્શાવી હતી. હવે બોડકદેવ પોલીસ સ્ટેશન તૈયાર તો થયું છે પરંતુ તેમાં મ્યુનિસિપલ તંત્રના બીયુ પરમિશન સહિતના નિયમો પળાયા ન હોઇ તેનો પુનઃ કબજો લેવા માટે મ્યુનિસિપલ અધિકારીઓએ ચક્રો ગતિમાન કર્યાં છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર પરેશ પટેલ કહે છે, બોડકદેવ પોલીસ સ્ટેશનનો મામલો મારી છ મહિનાની હાલની ફરજ દરમ્યાનનો નથી પરંતુ પોલીસ વિભાગને ફાળવેલ જગ્યા પરત લેવા માટે અમે ટૂંક સમયમાં નોટિસ ફટકારીશું. જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. મનોહરસિંહ એમ. જાડેજા કહે છે, બોડકદેવ પોલીસ સ્ટેશન હજુ ચાલુ કરાયું નથી. જો કે મ્યુનિસિપલ તંત્ર તરફથી પોલીસ સ્ટેશનને તોડવા માટેની કોઇ પ્રક્રિયાની અમને જાણ નથી.

આની સાથે સાથે પોલીસ વિભાગને હાલની જગ્યા બદલે જજીસ બંગલા પોલીસ ચોકીની પાછળની જગ્યા કે અન્ય જગ્યા ફાળવવાનો વિવાદ ઊઠ્યો છે. મ્યુનિસિપલ તંત્ર આ બાબતે કહે છે પોલીસ વિભાગ તરફથી અમને આવી કોઇ માગણી કરાઇ નથી. સરવાળે, બોડકદેવ જેવા શહેરના પોશ વિસ્તારમાં નાગરિકોના જાનમાલની સુરક્ષાના મામલે ‘ડિજિટલ ઇન્ડિયા’ના જમાનામાં પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનો સંકલનનો અભાવ થયો હોઇ ગંભીર પ્રકારની ભૂલ સર્જાઇ છે.

You might also like