નવી દિલ્હી: જેએનયૂમાં દેશદ્રોહી નારેબાજીના આરોપમાં જામીન પર બહાર આવેલા જેએનયૂએસયૂ અધ્યક્ષ કન્હૈયા કુમારના માથે એક સંગઠન દ્વારા 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પૂર્વાંચલ સેનાના સંગઠન દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં કન્હૈયાને ગોળી મારનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રેસ ક્લબની નજીક લગાવવામાં આવેલા પોસ્ટરની સૂચના પ્રાપ્ત કરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બધા પોસ્ટર ફાટી દેવામાં આવ્યા છે. આ ફાટેલા પોસ્ટરની સાથે પોલીસ અધિકારી પૂર્વાંચલ સેના અધ્યક્ષની શોધખોળ કરી રહી છે. પોલીસ એસીપીએ સેના અધ્યક્ષને પૂછપરછ માટે સંસદ માર્ગ પોલીસ મથકે બોલાવ્યા છે.
આ પહેલાં યૂપીના બદાયૂંમાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ કુલદીપ વાષ્ર્ણેયે આરએસએસ અને પીએમ મોદી પર કન્હૈયાના આરોપો સાથે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વિચિત્ર જાહેરાત કરતાં કન્હૈયાની જીભ કાપીને લાવનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની વાત કહી છે.
દિલ્હી પોલીસે જેએનયૂ વહિવટીતંત્રને આ અંગે સૂચના આપીને કહ્યું છે કે કન્હૈયાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે. 17 ફેબ્રુઆરીના રોજ કન્હૈયા પર થયેલા હુમલા બાદ કોર્ટના નિર્દેશો અનુસાર ડીસીપીએ પત્ર લખીને બસંત કુંજ પોલીસમથકને આ અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે કેમ્પસથી બહાર નિકળતાં કન્હૈયાની સાથે પોલીસ સુરક્ષા રહેશે.