કોન્ટ્રાકટરનું કાળું કરતૂતઃ ઝેરી કેમિકલનો ખુલ્લામાં નિકાલ કરતો ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના જિલ્લાના ગામડાંની સીમમાં જીઆઇડીસીનું ઝેરી કેમિકલ તથા કચરો નાખી જવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. ગઇ કાલે શહેરના હાથીજણ ગામની સીમમાં મોડી રાત્રે કેમિકલ ઠાલવતા કોન્ટ્રાકટર સહિત ચાર શખ્સની વિવેકાનંદનગર પોલીસે ધરપકડ કરી છે.

વિવેકાંદનગર પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના બીલીપુરા ગામમાં આવેલી ઓએનજીસીમાં વેલ (કૂવા) સાફસફાઇ કરવાનો કોટ્રાક્ટ આકાશ એક્પ્લોરેશન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના માલિક પ્રતીક હરિયાને આપ્યો છે. ઓએનજીસીના વેલની સર્વિસ કરીને તેમાંથી નીકળેલ ઓઇલ, કેમિકલ સહિતના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે. કેમિકલનો નિકાલ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું લાઇસન્સ લેવું ફરજિયાત બને છે અને ધારધોરણ મુજબ કચરો ખાલી કરવાનો હોય છે

ગઇ કાલે પ્રતીક હરિયો તેના વર્કર રાજુ ક્રિપાલ યાદવ (રહે જનતાનગર, ચાંદખેડા), આનંદ માધવપ્રસાદ પાંડે (રહે ગાંધીનગર રાયસણ ગામ) અને મૂકેશ નરસિંહભાઇ સોલંકી (રહે ભાંડુ ગામ, મહેસાણા) સાથે હાથીજણ ગામની સીમમાં કેમિકલ ઠાલવવા માટે ગયા હતા. જ્યાં વિવેકાંદનગર પોલીસે બાતમીના આધારે પ્રતીક હરિયા સહિત ચાર શખ્સને રંગે હાથ ઝડપી પાડયા હતા.

You might also like