કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી દોઢ લાખની રોકડ, મોબાઈલની ચોરી

અમદાવાદ: શહેરના સીટીએમ વિસ્તારમાં ગઇ કાલે તસ્કરોએ કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી રોક્ડ રકમ 1.20 લાખ સહિત બે મોબાઇલ ફોનની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોન્ટ્રાક્ટર તેમના ગુરુજીને મળવા માટે ગયા ત્યારે પાર્કિંગમાં પડેલી કારનો કાચ તોડીને તેમાથી અજાણ્યા શખ્સો લેધરની બેગ લઇને જતા રહ્યા હતા, જેમાં રોક્ડ રકમ, મોબાઇલ ફોન તેમજ જરૂરી ડોક્યુમેન્ટ હતા.

નિકોલ કઠવાડા રોડ પર આવેલા રુક્ષ્મણી બંગલોઝમાં રહેતા રાકેશભાઇ સત્યનારાયણ બોધાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે સવારે દસ વાગ્યાની આસપાસ રાકેશભાઇ તેમની હ્યુડાઇ વર્ના કાર લઇને સરદાર મોલ તેમની ઓફિસ ખાતે ગયા હતા.

ઓફિસનું કામ પતાવીને રાકેશભાઇ કાર લઇને સીટીએમ સ્વામિનારાયણ નગરમાં રહેતા તેમના ગુરુજી પ્રતાપરાય જોષીને મળવા માટે ગયા હતા. ગુરુને મળીને પરત આવ્યા ત્યારે તમની કારનો કાચ તૂટેલો હતો અને તેમાં મૂકેલું લેધરનું પર્સ ગાયબ હતું.

પર્સમાં 1.20 લાખ રોક્ડા, 55 હજારના બે મોબાઇલ ફોન, તેમજ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અગત્યના ડોક્યુમેન્ટ હતા. રાકેશભાઇ તાત્કાલીક પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેમાં ખોખરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ચોરને પકડવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ લેવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.

You might also like