કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટનું નાટકઃ વર્કઓર્ડરના નામે કામ ચાલુ જ રહે છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની જે તે કામ માટેના કોન્ટ્રાક્ટર પ્રત્યેની કંઈક અંશે કૂણી લાગણીના કારણે કેટલાક કોન્ટ્રાક્ટર માથાભારે બની ગયા છે. કોર્પોરેશનમાં એકસામટાં દસ-દસ ગજા બહારનાં કામ લઈને આ કોન્ટ્રાક્ટર છેવટે પેટાકોન્ટ્રાક્ટ કે પેટાના પણ પેટાકોન્ટ્રાક્ટ જેવી ગોઠવણ ના થાય તો હાથ પર લીધેલાં કામને રખડાવી દે છે. પરિણામે તંત્રને નવેસરથી એકડો ઘૂંટવો પડે છે. જે દરમિયાન કામનો ખર્ચ પણ વધી જાય છે. અમુક કોન્ટ્રાક્ટર તો મ્યુનિસિપલ સ્ટાફ સાથે મારામારી પર ઊતરી આવે છે. આ બધા કારણસર ભાજપના શાસકોને દર અઠવાડિયે એક કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની ફરજ પડી રહી છે.

ઉત્તર ઝોનના ઈજનેર વિભાગ દ્વારા નરોડા વોર્ડની ટીપી ૭૦માં જુદા જુદા ફાઈનલ પ્લોટ ફરતે તેમજ અન્ય સ્થળોએ આવેલા જુદા જુદા પ્લોટ ફરતે પ્રીકાસ્ટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર શિવ બિલ્ડકોનને અપાયંુ હતું, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના ટેન્ડરનું કામ લેવાયું હોવા છતાં તેઓ દ્વારા કામ કરવામાં આવતું ન હોઈ છેવટે તંત્રે થાકી-હારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને ગઈ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી, જ્યારે આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પૂર્વ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા પાણીના ટેન્કરના રજિસ્ટર કોન્ટ્રાક્ટર શ્રી શક્તિ કોર્પોરેશનને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મુકાઈ છે.

આ કોન્ટ્રાક્ટરના માણસોએ ક્ષુલ્લક બાબતમાં મ્યુનિસિપલ સ્ટાફને માર મારતાં તેની વિરુદ્ધ તંત્ર દ્વારા પોલીસમાં એફઆઈઆર પણ નોંધાઈ હતી.

જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે તંત્ર દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને તેના કામનાં ગમે તેવાં ધાંધિયાં હોવા છતાં ફક્ત એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાય છે. એક વર્ષ સુધી બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને કોર્પોરેશનમાં કોઈ પણ નવંુ કામ ઓફર, ટેન્ડર કે ક્વોટેશનથી અપાતું નથી તેમ છતાં આવા લેભાગુ કોન્ટ્રાક્ટરના જૂના કામને તેના વર્કઓર્ડર અપાઈ ગયા હોવાના બહાનાથી ચાલુ રખાય છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને ભળતા નામની કંપની ઊભી કરીને નવાં કામ મેળવી જાય છે અથવા તો કાર્યરત કોન્ટ્રાક્ટરની જમાતમાં સામેલ થઈને જોઈન્ટ વેન્ચરનું નવું તૂત ઊભું કરે છે. સરવાળે કોર્પોરેશનનાં કામો કરતા કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરનો છેડો મેળવવામાં સત્તાવાળાઓ ઝાઝી મહેનત કરતા ન હોઈ પ્રજાનાં કામ રઝળી પડે છે.
http://sambhaavnews.com/

You might also like