રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાકટર એનિમલ રાઇટ ફંડ આગળ તંત્ર લાચાર

અમદાવાદ: શહેરભરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ દિન પ્રતિ દિન વ્યાપક બન્યો છે. આ ત્રાસના કારણે અમુક વિસ્તારમાં તો સાંજ પડતાંની સાથે મહિલા અને બાળક ઘરની બહાર નીકળી શકતાં નથી. મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રખડતાં કૂતરાંનાં ખસીકરણ-રસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાય છે.

તેમ છતાં રખડતાં કૂતરાંની સંખ્યા ઘટવાને બદલે આશ્ચર્યજનક રીતે વધી છે. જેના માટે ઓનપેપર આંકડાકીય કામગીરી સહિતના અનેક પ્રકારના તર્ક વિતર્ક ઊઠી રહ્યા છે, પરંતુ જે પ્રકારે બહેરામપુરા સ્થિત મ્યુનિસિપલ ઢોરવાડામાં લાંબા સમયથી કૂતરાંનું ખસીકરણ કેન્દ્ર ધમધમી રહ્યું છે. તેને જોતાં તંત્રનું સમગ્ર ઓપરેશન રહસ્યમય બન્યું છે.

રખડતાં કૂતરાનું ખસીકરણ કરનારા ત્રણ કોન્ટ્રાકટર પૈકી એનિમલ હેલ્થ ફાઉન્ડેશન વર્ષો જૂના કોન્ટ્રાકટર હોઇ તેની ઉપર એક પૂર્વ ડેપ્યુટી કમિશનરની અમી નજર હોવાની ચર્ચા જે તે સમયે ઊઠતી હતી, પરંતુ હવે અન્ય એક કોન્ટ્રાકટર એનિમલ રાઉટ ફંડની કામગીરી વિવાદગ્રસ્ત બની છે.

બહેરામપુરાના મ્યુનિસિપલ ઢોરવાડામાં હાઇકોર્ટના આદેશના પગલે તંત્ર દ્વારા ‘રાઉન્ડ ધ કલોક’ રખડતાં ઢોરોને પકડવાની કામગીરી ચાલી રહી છે. આ ઢોરવાડામાં રખડતાં ઢોર મૂકવાની જગ્યા રહી નથી. રખડતાં ઢોર પૈકી અનેક ઢોરને પાલનપોષણ માટે મુંબઇની જીવદયા મંડળીને સોંપાઇ રહ્યાં છે.

બીજી તરફ ઢોરવાડાના એક વિશાળ ભાગમાં રાજકીય પીઠબળ ધરાવતા એનિમલ રાઇટ ફંડના સંચાલકો કબજો જમાવીને બેઠા છે. અહીંનાં કૂતરાં ખસીકરણ કેન્દ્રને જો અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરાય તો ઢોરવાડામાં વધુ ઢોરનો સારી રીતે સમાવેશ કરી શકાય તેમ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે છેલ્લાં દોઢ વર્ષથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ એનિમલ રાઇટ ફંડને અન્ય જગ્યાએ ખસેડવાની માત્ર વાતો કરી રહ્યા છે. અત્યારે પણ તંત્રના એક વિભાગમાંથી બીજા વિભાગમાં આ ફાઇલ ફરી રહી છે. જોકે આજે પણ આ ખસીકરણ કેન્દ્ર અહીં કાર્યરત છે.

જાણકાર સૂત્રો કહે છે કે એનિમલ રાઇટ ફંડે ગત વર્ષના તા.૧ એપ્રિલ ર૦૧૭થી ગત તા.૧ર માર્ચ, ર૦૧૮ સુધીમાં ઢોરવાડામાં બેસીને ૧ર,ર૬૦ રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરીને રૂ.૭૭.૯૭ લાખની કમાણી કરી ચૂકયું છે. આ અંગે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના નવનિયુક્ત વડા ડો. પ્રતાપસિંહ તખ્તસિંહ રાઠોડને પૂછતાં તેઓ કહે છે કે આ ખસીકરણ કેન્દ્રને અન્યત્ર ખસેડવાની કાર્યવાહી ચાલુ છે.

You might also like