સળંગ ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો

અમદાવાદ: શેરબજાર આજે પણ નીચા ગેપથી ખૂલ્યું હતું. સળંગ ત્રીજા દિવસે શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાતી જોવા મળી હતી. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૩૮૦ પોઇન્ટથી વધુનું ગાબડું પડ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૫૬ પોઇન્ટના ઘટાડે ૩૨,૧૬૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૮ પોઇન્ટના ઘટાડે ૧૦,૦૦૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૦.૨૫ ટકાના ઘટાડે ૨૪,૬૦૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ, પીએસયુ બેન્ક, મેટલ શેરમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં નીચા મથાળે ખરીદી જોવાઇ હતી.

હિંદુસ્તાન યુનિલિવર, કોલ ઇન્ડિયા અને મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૭૯ ટકાથી ૦.૯૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સન ફાર્મા, લ્યુપિન અને ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૧.૭૦ ટકાથી ૩.૩૦ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં નોંધાયેલી વેચવાલીની અસરથી તથા વિદેશી રોકાણકારોના પ્રોફિટ બુકિંગથી બજારમાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

You might also like