ડુંગળીના હોલસેલના ભાવમાં બજારમાં સતત ઘટાડો, જોકે છૂટકમાં યથાવત્

અમદાવાદઃ ડુંગળીના હોલસેલ બજારમાં સતત ગાબડાં પડી રહેલાં જોવા મળી રહ્યાં છે. એક મહિનામાં ૨૦ કિલોએ ૩૦થી ૪૦ રૂપિયાનું વધું ગાબડું જોવા મળ્યું છે. હાલ સૌરાષ્ટ્ર બાજુએથી આવતી ડુંગળી ૨૦ કિલોના ૫૦થી ૧૦૦ રૂપિયા, જ્યારે મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળી ૨૦ કિલોના ૭૦થી ૧૨૦ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે. એક મહિના પૂર્વે તેના ભાવ ઊંચા હતા એટલે કે મહારાષ્ટ્ર બાજુની ડુંગળીના ભાવ ૨૦ કિલોનો રૂ. ૧૦૦થી ૧૭૦ જોવા મળી રહ્યો હતો, જોકે હોલસેલ બજારમાં પાછલા એક મહિનામાં જોવા મળી રહેલા ડુંગળીના ભાવની અસર રિટેલ બજારમાં ખૂબ જ નહીંવત્ જોવા મળી રહી છે.

સ્થાનિક માર્કેટયાર્ડમાં મહુવા સહિત સૌરાષ્ટ્ર બાજુથી પણ ડુંગળીની આવક હજુ પણ જળવાઇ રહેલી જોવા મળી છે.
સ્થાનિક બજારમાં છેલ્લા કેટલાય સમયથી પ્રતિકિલોએ સાતથી દશ રૂપિયાની સપાટીએ ભાવ જળવાઇ રહ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ વખતે ડુંગળીનું બમ્પર ઉત્પાદન છે એટલું જ નહીં આગામી િસઝનમાં પણ અપેક્ષા મુજબની સારા વરસાદની આગાહીએ કોલ્ડ સ્ટોરેજ સહિત ખેડૂતો દ્વારા ડુંગળીની મોટા પ્રમાણમાં માર્કેટયાર્ડમાં આવક થઇ રહી છે. ઊંચી આવકના પગલે દિવાળી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડાની ચાલ નોંધાઇ રહી છે, જે આગામી દિવસોમાં પણ જોવાઇ શકે છે તેવો મત સ્થાનિક હોલસેલ વેપારીઓ દ્વારા જોવાઇ રહ્યો છે. એટલું જ નહીં ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ જોવા મળી રહેલી રાહતની અસર પણ ડુંગળીના ભાવ પર જોવા મળી છે.

http://sambhaavnews.com/

You might also like