સોનાના ભાવમાં સતત ઘટાડોઃ મહિનામાં રૂ. 800 તૂટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક વર્ષની ૧૨૨૮ ડોલર પ્રતિ ઔંસની નીચી સપાટીએ પહોંચી ગયું છે. છેલ્લા છ મહિનામાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૭.૬૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. તેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે.

આજે શરૂઆતે સોનાના ભાવમાં વધુ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૩૧,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ વધુ રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાઇ રૂ. ૩૯,૨૦૦ના મથાળે ભાવ જોવા મળ્યો હતો. એક જ મહિનામાં ૮૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયામાં જોવા મળેલી મજબૂતાઇ તથા ડોલર ઇન્ડેક્સમાં નોંધાયેલા સુધારાના પગલે સોનાના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. દરમિયાન સોનાના ભાવમાં ઘટાડાના પગલે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ રોકાણકારો નાણાં પાછાં ખેંચી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે તથા સોનામાં રોકાણ ઘટાડી રહ્યા છે. સ્થાનિક સહિત વૈશ્વિક ઇક્વિટી બજારમાં ટૂંકા ગાળામાં જોવાયેલ ઉછાળાના પગલે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

સોનું સંભાળીને ખરીદોઃ જીએસટીની નોટિસ મળી શકે
ભારતમાં સોનાના ભાવ ઊંચા હોય કે નીચા હોય, ખરીદીનું આકર્ષણ હંમેશાં જોવા મળ્યું છે. તો બીજી બાજુ વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા નીતનવા પેંતરા રચે છે. ત્રણ ટકા જીએસટીના પગલે નવી જ્વેલરી મોંઘી થઇ છે, પરંતુ જ્વેલર્સ જીએસટી બચાવવા માત્ર ચિઠ્ઠી ઉપર જ ખરીદ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે, જેમાં નવી જ્વેલરી ખરીદનાર ગ્રાહકને કેટલાક જ્વેલર્સ ખરીદ વેચાણની માત્ર કાચી રિસિપ્ટ આપીને જીએસટી બચાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટને કેટલાક જ્વેલર્સ દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની વિગતો બહાર આવી છે.

You might also like