મુંબઈના દાદર-બાંદ્રામાં ભારે વરસાદ ચાલુઃ અનેક ટ્રેન મોડી, જનજીવન ઠપ

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ દાદર, બાંદ્રા સહિતના અન્ય વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેતાં ટ્રેન સેવા પર અસર થઈ હતી. અનેક ટ્રેન મોડી પડતાં લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું છે તેમજ દેશનાં ૧૩ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જારી કરી ૧૮ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાંચલ, ગુજરાત, રાજસ્થાન સહિત ૧૩ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં ગઈ કાલે પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. કાલે થયેલા ભારે વરસાદના કારણે શહેરમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત વ્યકિતનાં મોત થયાં હતાં. કુલ ૧૨ સ્થળે શોર્ટ સર્કિટની ફરિયાદો આવી હતી, તેમાં પીએમજીપી કોલોની, મોહિતે પાટીલનગર, ઘાટકોપર માનખુર્દ લિંક રોડ, માનખુર્દ ખાતે એક મહિલા અને એક નાનું બાળક ઘાયલ થયાં હતાં.

સારવાર દરમિયાન ઉષા સાવંતનું મોત થયું હતું. અંધેરી (પૂર્વ)માં આંબેવાડી ખાતે કૂવામાં પડતાં વિશાલ વિલાસ અંબોરેનું મોત થયું હતું. કુર્લા (પશ્ચિમ)માં હલાવપુલ વિસ્તારમાં ત્રણ માળની ઈમારતનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં પાંચ લોકોને ઈજા થઈ હતી.સિંધુદુર્ગ જિલ્લાના તિલારીઘાટમાં કાર ખીણમાં પડતાં પાંચનાં મોત થયાં હતાં.

પાંચ દિવસમાં અતિ ભારે વરસાદની ચેતવણી
મુંબઈમાં રહેતા લોકોને હાલ પૂરતી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે, કારણ કે આગામી પાંચ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.

શહેરના થાણે, કલ્યાણ, નવી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉપનગરીય રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. મુંબઈના ઘાટકોપરમાં વીજળીના થાંભલાના કરંટથી એક મહિલાનું મોત થયું છે.

વસઈમાં ૪૦ લોકો અટવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. ગઇ કાલે પણ મલાડ, બોરીવલી, પોવાઈ, ભાંડુ અને થાણેના જુદા જુદા ભાગો તથા કલ્યાણમાં ભારે વરસાદ થયો હતો.

વિઠ્ઠલવાડી-કલ્યાણ વચ્ચે ટ્રેન સેવા અટકાવાઈ
શાંતિક્રુઝ અને કોલાવામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મળેલી માહિતી મુજબ વિઠ્ઠલવાડી અને કલ્યાણ વચ્ચે ટ્રેક ઉપર પાણી ફરી વળતાં ટ્રેન સેવાને રોકી દેવાઈ છે. ગઇ કાલે બદલાપુર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી.

સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતાં કહ્યું છે કે સવારે થોડા સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબા અંતરની અનેક ટ્રેનોને ડાઇવર્ટ કરી દીધી છે. કેટલીક ટ્રેન રદ પણ કરાઈ છે. હિંદમાતા, ભાંડુપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આજે અને મંગળવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહેવાની ચેતવણી જારી કરાઈ છે.

You might also like