સરહદે સ્ફોટક સ્થિતિ: પાક.નો સવારથી સતત ગોળીબાર: જબરદસ્ત તણાવ

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાનો જવાબ આપતાં ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ બંને દેશ વચ્ચે અને સરહદ પર તણાવ ખૂબ વધી ગયો છે અને યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે ભારત ટૂંક સમયમાં જ આ અંગે કોઈ નિર્ણાયક ફેંસલો કરી શકે છે તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગભરાઈ ગયેલા પાકિસ્તાને કાલ સાંજથી જ એલઓસી (લાઈન ઓફ કન્ટ્રોલ) પર રાજૌરી જિલ્લાના મેંઢર, કૃષ્ણા ઘાટી સેક્ટર પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર શરૂ કરી દીધો છે. આજે સવારથી જ પાકિસ્તાને કૃષ્ણા ઘાટીમાં જોરદાર ફાયરિંગ અને મોર્ટારમારો કર્યો છે. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપતાં ફાયરિંગ કર્યું છે. એલઓસી પર થઈ રહેલા સતત ગોળીબાર અને હુમલાથી તણાવ સતત વધતો જાય છે.

બાલાકોટ સહિત કેટલાક આતંકી કેમ્પ અને ટેરર લોન્ચ પેડ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આજે ગુરુવારે સતત સાતમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન જારી રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં એલઓસી નજીક આવેલી ભારતીય સેનાની ચોકીઓ પર વહેલી સવારથી જ અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ ભારે હથિયારોનો ઉપયોગ કર્યો છે. એલઓસી પર આવેલા નાગરિકોનાં મકાનો પર ૧ર૦ એમએમના મોર્ટાર મારવામાં આવ્યા છે.

દરમિયાન દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાના પ્રમુખો સાથે અગત્યની બેઠક કરી હતી. આ બેઠકમાં એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) અ‌િજત ડોભાલ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના ચીફ પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ભારત પાકિસ્તાનના દબાણમાં નહીં આવે. તેમણે ભારતીય સેનાને આકરો જવાબ આપવા ખુલ્લી છૂટ પણ આપી દીધી છે. હવે સેના સમય નક્કી કરશે કે ક્યારે તેમણે પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો છે.

પાકિસ્તાની વાયુસેના તરફથી ભારતીય સૈન્ય કેમ્પ પર કરાયેલા હુમલાને સીધું આક્રમણ ગણાવીને ભારતે કડક ચેતવણી આપી છે કે પાકિસ્તાન તેની આ પ્રકારની હરકતો બંધ કરે. ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાનાં હિતો, સંપ્રભુતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખી સખત અને નિર્ણાયક ફેંસલો કરવાનો અધિકાર ધરાવે છે.

સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના કરાચીમાં ઈમર્જન્સી (રાષ્ટ્રીય આપાતકાલ)ની જાહેરાત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના પત્રકારોએ ‌િટ્વટર પર માહિતી આપી છે કે કરાચી ખતરામાં છે. અનેક ક્ષેત્રમાં બ્લેકઆઉટ થવા લાગ્યો છે, જેમાં સૈન્ય પ્રતિષ્ઠાન અને નિવાસસ્થાન પણ સામેલ છે. માલિર કેન્ટ, પીએએફ ફૈસલ બેઝ અને પીએનએસ પરસાઝમાં ગઈ કાલ રાતથી જ બ્લેકઆઉટ છે.

પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય સીમામાં ઘૂસીને ફાઈટર જેટ પ્લેનથી બોમ્બ ફેંક્યા હતા અને આ દરમિયાન ભારતનાં બે વિમાનને નિશાન બનાવ્યાં હતાં. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યા હતા, જે હવે પાકિસ્તાની સેનાના કબજામાં છે.

ભારતની કાર્યવાહીથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરી દીધું છે. હાલ તો તેણે સમગ્ર એર સ્પેસ સિસ્ટમને  શટડાઉન (બંધ) કરી દીધી છે એટલે હવે પાકિસ્તાની વાયુસીમામાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટિક ફ્લાઈટ ઊડી શકશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાને પોતાની નૌસેનાને પણ એલર્ટ રહેવાના આદેશ આપી દીધા છે.

You might also like