કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી રૂ.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદ: ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલે શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું એક કન્ટેનર ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ પોલીસ અધિકારીને ગુપ્ત બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર ગુજરાત તરફ આવી રહ્યું છે. આ બાતમીના આધારે શામળાજી ચેકપોસ્ટ પર મોડી રાત્રીથી નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કરી દેવાયું હતું. દરમ્યાનમાં વહેલી સવારે શામળાજી નજીક આવેલી ફોરેસ્ટ ચોકપોસ્ટ પાસેથી એક કન્ટેનર પસાર થતા પોલીસે તેને રોકી તલાશી લેતા આ કન્ટેનરમાંથી જુદી જુુદી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કન્ટેનર રોકતા જ ચાલક રામકરણસિંગ રામલાલસિંગ નામનો શખસ અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો અને બિયરના જથ્થા સાથે રૂ.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like