કન્ટેનર લૂંટવા ડ્રાઈવરે જ સાથી ડ્રાઈવરની હત્યા કરી

અમદાવાદ: અમદાવાદ-વીરમગામ હાઇવે પર આવેલા વિરોચનનગર ગામની સીમમાંથી ગત જાન્યુઆરી માસમાં મળેલી લાશનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ઉત્તરપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની જ કંપનીના ટ્રક ડ્રાઇરની કન્ટેનર લૂંટવાના ઇરાદે સાગરીતો સાથે મળી હત્યા કરી લાશને બહાર ફેંકી દીધી હતી. હાલમાં બે આરોપી ફરાર છે.

મળતી માહિતી અનુસાર ર૬, જાન્યુ. ર૦૧૬ના રોજ વીરમગામ હાઇવે પર વિરોચનનગર પાસે ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. જે મામલે આણંદ જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

લાશનો ભેદ વણઉકલ્યો હોઇ ગ્રામ્ય એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસ દરમ્યાન મૃતકનું નામ દિનેશ પાલ (રહે. ઉત્તરપ્રદેશ) હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં યુવકની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે દિલશાનઅલી ઇરશાદઅલી કુરેશી (રહે. આંબલીડાડ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની ટીસીઆઇ કંપનીમાં પોતે ડ્રાઇવર છે. જાન્યુઆરીમાં પોતે અને દિનેશ પાલ કંપનીના ઓઇલ ભરેલા ટ્રક સાથે નીકળ્યા હતા. દિનેશ પાલ ટ્રક લઇને જતો હતો અને દિલશાન અન્ય ટ્રકમાં હતો. દરમ્યાનમાં સલમાન કુરેશી અને સલમાન હમીદ કુરેશી નામના બે વ્યક્તિ સાથે મળી દિનેશ પાલની હત્યા કરી ટ્રક લૂંટી લીધી હતી. પરંતુ ઓઇલનો સોદો કેન્સલ થતાં ટ્રક સનાથલ પાસે બિનવારસી મૂકી ફરાર થઇ ગયા હતા. પોલીસે ફરાર બે શખસની શોધખોળ હાથ ધરી છે.
visit : www.sambhaavnews.com

You might also like