કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડી: ત્રણ મજૂર દટાયા

અમદાવાદ: શહેરના કાંકરિયા કિડ્સ સિટી પાસે આજે સવારે એક કન્સ્ટ્રકશન સાઇટ પર ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરો દટાઇ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ત્રણેય મજૂરોને સહી-સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બાંધકામ દરમિયાન સાવધાની રાખવાનાં સાધનો વગેરે હોવાં જોઇએ તે બાંધકામ દરમિયાન નહોતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા રોડ પર આવેલા કિડ્સ સિટી નજીક રાજહર્ષ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફલેટનું બાંધકામ ચાલી રહ્યું હતું. આજે સવારે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એકાએક ભેખડ ધસી પડી હતી, જેમાં રાહુલ, ભરત અને નિમેષ નામના ત્રણ મજૂરો દટાઇ ગયા હતા.

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પી.એસ. પરમાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એકાદ કલાકની ભારે જહેમત બાદ ત્રણેય મજૂરોને ફાયર બ્રિગેડની ટીમે સહી-સલામત બહાર કાઢ્યા હતા અને એલજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પી.એસ. પરમારના જણાવ્યા મુજબ બાંધકામ સમયે જે સાવધાની અંગેનાં સાધનો અને પ્રિકોપ્શન હોવાં જોઇએ તે સાઈટ ઉપર નહોતાં. આ મુદ્દે કોર્પોરેશનનાે એસ્ટેટ વિભાગ આગળ કાર્યવાહી હાથ ધરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like