બાંધકામ સેક્ટરને ઈન્ડસ્ટ્રીઝનો દરજ્જો આપવા કોન્ટ્રાક્ટરોની માગણી

અમદાવાદ: ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં વેટના ઊંચા ભારણમાં ઘટાડો કરવાની માગ કરી છે. એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે કન્સ્ટ્રક્શન સેક્ટરનો વ્યાપ વધી રહ્યો છે. બદલાતાં જતાં સમયની સાથે સાથે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કન્સ્ટ્રક્શનની ઇક્વિપમેન્ટની જરૂરિયાત વધી છે ત્યારે અગાઉ ૧૫ ટકા વેટની સાથે તેમાં પાંચ ટકા વેટનું વધારાનું ભારણ નાખી સરકાર ૨૦ ટકા વેટ કરી રહી છે ત્યારે આ ભારણમાં ઘટાડો કરવો જોઇએ.

કોન્ટ્રાક્ટર એસોસિયેશનના ચેરમેન અરવિંદ પટેલના જણાવ્યા પ્રમાણે કૃષિ ઉદ્યોગ પછી બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ બીજા નંબરની ઇન્ડસ્ટ્રીઝ છે. દેશમાં છ કરોડથી વધુ લોકો સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે ધંધા રોજગાર મેળવે છે. આવા સંજોગોમાં કન્સ્ટ્રક્શનને ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો આપવા અમે સરકારમાં રજૂઆત કરવાના છે. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જેવાં કે ડોઝર, જેસીબી મશીન, ડામર પ્લાન, કોન્ક્રિંટ પ્લાન્ટ સહિતના મોટા ભાગનાં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ૨૦ ટકા જેટલું વેટનું ઊંચું ભારણ છે તેમાં ઘટાડો કરવો જોઇએ.

એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બાંધકામ દરમિયાન ઊભા થતા વિવાદો પતાવવા અાર્બિસ્ટ્રેશનની જોગવાઇ ટેન્ડરમાં હોય છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયાની આંટીઘૂંટીના કારણે આર્બિસ્ટ્રેશનની પ્રક્રિયા પછી થયેલા કરોડો રૂપિયાના એવોર્ડનું ચુકવણું થવામાં કોન્ટ્રાક્ટરોને ભારે વિલંબ થાય છે ત્યારે કોન્ટ્રાક્ટરોનાં નાણાં જલદી છૂટાં થાય તથા વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્યમાં તમામ ટેન્ડરોમાં લવાદના કાયદાની જોગવાઇ નથી તે દાખલ કરવામાં પણ સરકારમાં રજૂઆત કરી છે.

You might also like