૨૦૧૬ના અંત સુધીમાં રામમંદિર નિર્માણનો મુદ્દો હલ થઈ જશેઃ સ્વામી

નાસિક: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીઅે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં વિવા‌િદત સ્થળ પર રામમંદિરના નિર્માણનો મુદ્દો હલ થઈ જશે અેટલું જ નહિ પણ આ બાબતે તેઓ મુસ્લિમ નેતાઓ સાથે વ્યકિતગત રીતે વાતચીત કરશે તેવી ખાતરી આપી હતી.

નાસિકમાં સાર્વજનિક વાંચનાલયની ૧૭૫મી વર્ષગાંઠ નિમિત્તે પ્રવચન આપતાં તેમણે જણાવ્યું હતું કે ૧૮૪૦માં આ પુસ્તકાલયની શરૂઆત થઈ હતી. તેમણે જણાવ્યું કે રામમં‌દિર નિર્માણનો મુદ્દો ૨૦૧૬ના અંત સુધીમાં હલ થઈ જશે અને તેઓ આ મુદ્દે વકફ બોર્ડ અને અસદુદીન ઓવૈસી સહિત મુસ્લિમ સમુદાયના સભ્યોને આ મુદ્દો સમજાવવા વ્યકિતગત વાતચીત કરશે. તેમણે જણાવ્યું કે મુસ્લિમ ભાઈઓની નમાજ માટે મસ્જિદ ગમે ત્યાં ખસેડવામાં આવી શકે છે અને ઈતિહાસ મુજબ અે સાબિત થઈ ગયું છે કે પહેલાં અયોધ્યામાં રામમંદિર હતું. સ્વામીઅે તેમના પ્રવચનમાં દિવંગત વડા પ્રધાનો જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પર આકરા પ્રહારો કર્યા હતા.

પઠાણકોટ અેરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા અંગે તેમણે જણાવ્યું કે આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈઅે. આમ પણ તેમણે મોદીની પાકિસ્તાન સામેની ની‌િતને સમર્થન આપી યોગ્ય ગણાવી હતી. સ્વામીઅે માલદાની હિંસક ઘટના બદલ પશ્વિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ મુદ્દે ગૃહ પ્રધાન રાજનાથસિંહે તેમને પત્ર પાઠવી તેમની સ્પષ્ટતા માગવી જોઈઅે.

You might also like