પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ તેની દુકાને મૂકી દેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસ કર્મચારી મહિલા અને તેની પુત્રી પર ચારિત્રની શંકા રાખતો હતો.

દસક્રોઇ તાલુકાના કઠવાડા ગામમાં આવેલી એક સોસાયટીમાં રહેતી અને સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવતી ૩૭ વર્ષિય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા તેની સહેલીના ઘરે ૧૪ વર્ષની પુત્રી સાથે રહે છે. વર્ષ ૨૦૦૧માં મહિલાના લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં.

લગ્નના ચાર વર્ષ બાદ મહિલા અને તેના પતિ વચ્ચે ઝધડા શરૂ થઇ ગયા હતા. જેથી તે તેની પુત્રીને લઇને રખિયાલ તેના પિયરમાં આવી ગઇ હતી. પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો, જ્યારે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો હતો.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં કેસ કરવા માટે જ્યારે મહિલા આવી હતી ત્યારે તેનો સંપર્ક પોલીસ કોન્સ્ટેબલ મહેશ મૂળજીભાઇ પરમાર (રહે બાપુનગર હાઉસિંગ બોર્ડના મકાન) સાથે થયો હતો. મહેશે મહિલા સાથે પ્રેમસંબધ બાંધવા માટે પ્રપોઝ કર્યુ હતું અને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને કર્યું હતુંકે મારી પત્નીને ગંભીર બીમારીનો ભોગ બનેલ છે અને તે લાંબુ જીવી શકે તેવી પરિસ્થિતિમાં નથી હું તમારી સાથે રહેવા માંગુ છું અને પાછળથી તમારી સાથે લગ્ન કરી લઇશ.

દરમિયાનમાં મહિલાએ વર્ષ ૨૦૦૯માં તેના પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા. પતિ સાથે છુટાછેડા થયા બાદ મહિલા પુત્રીને લઇને તેના માતા પિતા વિરુદ્ધમાં જઇને ૩૧.૦૭.૨૦૦૯ના રોજ મહેશ સાથે લિવ ઇન રિલેશન શિપમાં રહેવા માટે જતી રહી હતી. બન્ને જણા હાટકેશ્વર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા લાગ્યાં હતાં.

મહિલાએ તેની સાથે લગ્ન કરવાનુ અવારનવાર કહ્યું હતું જોકે મહેશ લગ્ન કરવાનું ટાળતો હતો અને સરકારી નોકરી હોવાથી બીજાં લગ્ન કે મૈત્રી કરાર કરી શકે નહીં તેમ કહ્યું હતું. વર્ષ ૨૦૧૧માં મહેશે કઠવાડા તળાવની સામે મહિલાના નામે એક મકાન ખરીદ્યુ હતું. મહિલા તેની પુત્રી અને મહેશ છેલ્લા આઠ વર્ષથી સાથે રહેતા હતા. મહેશે મહિલા સાથે લગ્ન નહીં કરીને મૌખિક મૈત્રી કરારથી પતિ પત્ની તરીકેના સંબંધો રાખીને રહેતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી મહેશે મહિલા પર નાની નાની બાબતે શક વહેમ રાખતો હતો તેમજ તેની પુત્રીને ભરણ પોષણનો ખર્ચો નહી આપીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો.

મહેશ અવારનવાર મહિલા અને તેની પુત્રી સાથે મારઝુડ કરતો હતો અને બન્ને જણા પર શંકા કરીને તમે સારા ધંધા કરતા નથી તમારી લાઇન ખરાબ છે તેમ કહીને આક્ષેપ કરતો હતો. થોડાક સમય પહેલા મહેશે મહિલાનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. અને બે વર્ષ પહેલા મહિલાએ ઉશ્કેરાટમાં ખરાબ ધંધા કરતી હોવાનું બોલી હોવાનો વીડિયો મહેશે ઉતારી લીધો હતો અને તેના પિતાને મોકલી આપ્યો હતો.

મહેશના ત્રાસથી કંટાળીને મહિલા અને તેની પુત્રી ભાડે રહેવા માટે જતા રહ્યાં હતાં. તેમ છતાંય મહેશે મહિલાને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. મહિલા જે ઘરમાં ભાડે રહેવા માટે જાય ત્યા તેનાં મકાન માલિક સાથે ઝધડો કરતો હતો. થોડક દિવસ પહેલા મહિલા તેની સહેલીના ઘરે રહેવા માટે આવી ગઇ ત્યારે પણ મહેશે ઝઘડો કર્યો હતો અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ગઇ કાલે મહિલાએ કઠવાડા વિસ્તારમાં આવેલી લેડીઝ ટ્રેલરની દુકાન ખોલી તો તેમાં તેના બીભસ્ત ફોટો ગ્રાફ્સ હતા. મહિલા અને મહેશે જ્યારે બાથરૂમમાં સાથે નાહ્વા માટે ગયા હતા ત્યારે તેને મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો. મહેશે તે વીડિયોમાથી સ્ક્રીનશોર્ટ લઇને કેટલાક બીભસ્ત ફોટો લીધા હતા અને ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવીને દુકાનમાં મૂકી દીધા હતા.

મહિલાએ આ મામલે તાત્કાલીક નિકોલ પોલીસ સ્ટેશનમાં મહેશ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. પોલીસ મહેશ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મહેશ પરમાર હાલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મહિલાના જણાવ્યુ છેકે મહેશના ત્રાસથી તેણે પહેલાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ૧૦ કરતાં વધુ અરજીઓ કરી છે.

You might also like