કોન્સ્ટેબલ હત્યાઃ મહિલા ASI સાથેના ઝઘડાનો અન્ય કોઈએ ફાયદો ઉઠાવ્યો?

અમદાવાદ: ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમારની હત્યા કરાઇ હોવાનું બહાર આવતાં એસઓજીએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં ગુમ થયા અગાઉ જયપાલસિંહ અને તેના મિત્રોને કેનાલ સામે રહેતાં મહિલા એએસઆઇ જયુબા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ તેઓની લાશ મળી હતી. એએસઆઇ સાથેના ઝઘડામાં અન્ય કોઇ વ્યક્તિએ પોતાનો બદલો લીધો હોઇ તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે તેના મિત્રો અને મહિલા એએસઆઇનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.
૧૦ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ ખોખરા વિસ્તારના કૈલાસવન બગીચા નજીક કેનાલમાંથી ઇસનપુરના કોન્સ્ટેબલ જયપાલસિંહની લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. જયપાલસિંહ ચાર દિવસથી ગુમ હતા અને બાદમાં લાશ મળી આવતાં પોલીસે લાશને પીએમ અર્થે મોકલી અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. પીએમમાં પ્રાથમિક ‌રિપોર્ટમાં ઇજાઓથી મોત થયું હોવાનું બહાર આવતાં પોલીસને જયપાલસિંહની હત્યા થઇ હોવાના આધારે તપાસ શરૂ કરી હતી.

માર્ચ-ર૦૧૬માં એસઓજી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતાં એફએસએલ અને ડોક્ટરોના ફોરેન્સિક ‌રિપોર્ટમાં પરથી તેઓની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પી.બી. દેસાઇએ જણાવ્યું હતું જયપાલસિંહની હત્યા મામલે તેઓના કોલ ડિટેલ્સની તપાસ શરૂ કરી છે. કેનાલ નજીક તેઓ તેમના મિત્રો સાથે બેસતા હતા અને ત્યાં બેસવા બાબતે મહિલા સાથે ઝઘડા બાદ તેઓની લાશ મળી છે.

આ ઝઘડા મામલે હત્યા કરાઇ હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું ન હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. ઝઘડાનો લાભ લઇ અન્ય કોઇએ પોતાનો બદલો લીધો હોય તે દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like