ચૂંટણી અંગેની મિટિંગમાં હાજરી અાપવા કોન્સ્ટેબલ રાજાપાઠમાં પહોંચ્યા!

અમદાવાદ: શહેરમાં દારૂ જુગાર સદંતર બંધ હોવાનું એક તરફ પોલીસ કમિશનર જણાવી રહ્યા છે તો બીજી તરફ તેમજ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન પીધેલી હાલતમાં ઝડપાયો છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ગઈકાલે કાંકરિયા નજીક લોહાણા વાડીમાં ચૂંટણીલક્ષી મિટિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં એસ.પી.ના નજરે ચડતા તેઓએ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવા અાદેશ અાપતાં તેની વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેન્દ્રસિંહ બાબુસિંહ મણિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે બપોરે કાંકરિયા ખાતેની લોહાણા વાડીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તે વિસ્તાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ચૂંટણીલક્ષી મિટિંગ રાખવામાં અાવી હતી.

દરમિયાનમાં મહેન્દ્રસિંહ અા મિટિંગમાં દારૂ પીધેલી હાલતમાં અાવ્યા હતા અને એસપી બી.એમ. ટાંકને ધ્યાને અા બાબત અાવતાં તેઓએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાના અાદેશ અાપતાં પોલીસકર્મી વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરી તેની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો હતાે.

એક તરફ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે સતત વોચ રાખવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના અપાય છે ત્યારે બીજી તરફ તેમના જ માણસો દારૂ પીને ઝડપાય છે ત્યારે દારૂબંધી શહેરમાં છે કે પછી જેને અા બદીઓ બંધ કરાવવાની ફરજ છે તે જ દારૂ ઢીંચીને ફરતા ઝડપાય છે. દારૂ ખુલ્લઅામ મળે છે તેના પર સવાલ ઊભો કરે છે.
અા અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.અાઈ. જી.એમ. મકવાણાએ જણાવ્યું હતું કે અા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરી ડીસીપીને રિપોર્ટ કરવામાં અાવ્યો છે.

You might also like