ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલે રૂ. 15 હજારની લાંચ માગી

વડોદરા એસીબીની ટીમે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ વિરૂદ્ધ લાંચ માગવાનો ગુનો દાખલ કરી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે જ્યારે હેડ કોન્સ્ટેબલ નાસી જવામાં સફળ રહ્યો છે. ફરિયાદીના મિત્રની દારૂના કેસમાં ધરપકડ નહીં કરવા માટે રૂ.૧પ હજારની લાંચ માગી હતી. એસીબીએ છટકું ગોઠવી પૈસા લેવા આવેલા હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક માસ પહેલા ફરિયાદીના મિત્ર પર ગોધરા તાલુકા પોલીસે વિદેશી દારૂનો કેસ કર્યો હતો. આ કેસના તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હરજીભાઇ ડામોર હતા.

ફરિયાદીના મિત્રને દારૂના કેસમાં ધરપકડ કરી રિમાન્ડ ન મેળવવા તેમજ મારઝુડ ન કરવા માટે રૂ. ૧પ હજારની લાંચ માંગી હતી. લાંચ પેટે સૌ પ્રથમ રૂ. બે હજારની લાંચની માગણી કરી હતી.

લાંચના વ્યવહાર બાબતે ગોધરા તાલુકામાં ફરજ બજાવતા લોકરક્ષક જવાન (કોન્સ્ટેબલ) રાજેશ તાવિયાડ સાથે વાતચીત કરી હતી. આ મામલે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસની ટીમે ગોધરા એસ.ટી. ડેપોના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું.

આરોપી રાજેશ તાવિયાડ રૂ.૧પ હજારની લાંચ લેવા માટે ગ્રાઉન્માં આવ્યા ત્યારે એસીબીએ તેઓની ધરપકડ કરી હતી. આરોપી રાજેશ તાવિયાડ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ વતી લાંચ લેવા આવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી શક્યા ન હતા.

You might also like