ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધને લઈને મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાનું કાવતરું સાણંદમાં ઘડાયું હતુ

અમદાવાદ: ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધને લઈ ગઈ કાલે સાંજે અમદાવાદનાં પાંચ જેટલા મલ્ટિપ્લેક્સને રાજપૂત-કરણી સેનાના અાગેવાનો સહિતનાં ટોળાંઅે રીતસર બાનમાં લઈ તોડફોડ અને વાહનોમાં અાગચંપી કરી હતી. અાગચંપીની ઘટના બનતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા અારોપીઅોની પૂછપરછમાં મલ્ટિપ્લેક્સમાં તોડફોડ અને અાગચંપીનું કાવતરું ગઈ કાલે બપોરે સાણંદ ખાતે ઘડવામાં અાવ્યું હતું. કરણી સેનાના અાગેવાન પૃથ્વીરાજસિંહ વાઘેલા (રહે. સાણંદ), સુરેન્દ્રસિંહ સિસોદિયા, રાજભા વાઘેલા સહિતના લોકોઅે મિટિંગ યોજી હતી, જેમાં ફિલ્મ ‘પદ્માવત’ને અમદાવાદમાં રિલીઝ નહીં કરવામાં અાવી હોવાની મલ્ટિપ્લેક્સના માલિકોની ખાતરી છતાં પીવીઅાર અને અન્ય મલ્ટિપ્લેક્સમાં તોડફોડ કરવા અંગે ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં અાવ્યાં હતાં.

સાંજે ઇસ્કોન ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ભેગા થઈ મલ્ટિપ્લેક્સમાં તોડફોડ અને અાગચંપીનું કાવતરું અગાઉથી જ ઘડવામાં અાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં અાવ્યું છે. અમદાવાદના મલ્ટિપ્લેક્સને ટાર્ગેટ કરી તોડફોડ અને અાગચંપી કરવા માટે લાકડી, તલવાર, પથ્થરો, જ્વલનશીલ પદાર્થો પહેલાંથી જ લઈ ટોળું અાવ્યું હતું. ૪ મલ્ટિપ્લેક્સની બહાર અાગચંપી કરી હતી.

વસ્ત્રાપુર પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધી સાણંદના પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિતના ૨૦૦૦ના ટોળાની વિરુદ્ધમાં રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, તોડફોડ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી અનેક લોકોની અટકાયત કરી છે. ટોળાઅે દેવાર્ક મોલ બહાર ગુલમહોર પાર્ક મોલમાં ધસી જઈ અને તોડફોડ મચાવી હતી. સુરેન્દ્રસિંહ જાડેજા (રહે. નારણપુરા) સહિતના ૩૦ જેટલા લોકોની સામે સેટેલાઈટ પોલીસે રાયોટીંગ તેમજ પોલીસ પર હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ફિલ્મ પદ્માવતના વિરોધને લઈ ગઈ કાલે સાંજે ઇસ્કોન ચાર રસ્તા ખાતે રાજપૂત સમાજ દ્વારા એક કેન્ડલ માર્ચનું અાયોજન કરવામાં અાવ્યું હતું.સાંજે ૭ વાગે શરૂ થયેલી અા કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને લોકો જોડાયા હતા. કેન્ડલ માર્ચ પૂરી થયા બાદ અાશરે ૫૦૦થી વધુ લોકોનું ટોળું દેવાર્ક મોલ અને ગુલમહોર પાર્ક મોલ તરફ ઘસી ગયું હતું.

ટોળાઅે જય ભવાની, જય રાજપૂતના નારા સાથે મોલની બહાર હલ્લાબોલ કરી તોડફોડ મચાવી હતી. પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો છતાં પણ ટોળાઅે તોડફોડ મચાવી પોલીસ કર્મીઅો ઉપર હુમલો પણ કર્યો હતો. કેન્ડલ માર્ચમાં હાજર રાજપૂત સમાજના અાગેવાનોઅે યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં ટોળું માન્યું ન હતું.

ત્યાંથી કેસેરાસેરા મલ્ટીપ્લેક્સમાં તોડફોડ કરી અને હલ્લાબોલ કરતાં થલતેજ પીવીઅાર સિનેમા તરફ ધસી ગયું હતું. ટોળાઅે એક્રોપોલિસ મોલની બહાર વાહનોમાં તોડફોડ કરી અને ફરાર થઈ ગયા હતા. ઉપરાંત એસટી બસને પણ નુકસાન કર્યું હતું.

પીવીઅાર સિનેમાની બહાર ટોળાઅે અાતંક મચાવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી .જેથી ટોળું દૂરદર્શન ચાર રસ્તા તરફ થઈ હિમાલયા મોલ તરફ પહોંચ્યું હતું. હિમાલયા મોલની અંતર અાવેલા કાર્નિવલ સિનેમામાં તોડફોડ કરવા માટે ટોળું મોલમાં ઘૂસ્યું હતું. ટોળાઅે હિમાલયા મોલની બહાર અાવેલી ડોમિનોઝ પિઝા, મેકડોનાલ્ડ, બર્ગન કિંગ, વિવો મોબાઈલની દુકાન સહિતની અન્ય દુકાનોમાં તોડફોડ કરી હતી.

મોલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં અાવેલો હોઈ હાજર પોલીસ કર્મીઅોઅે ટોળાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ટોળાઅે પોલીસને પણ ધક્કે ચઢાવી હતી અને તેમાંથી ઘાટલોડિયાના પોલીસ કોન્સ્ટેબલ પ્રહ્લાદભાઈને ટોળાઅે ખેંચી તેમનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મી ઉપર હુમલો થતાં ઘાટલોડિયાના પીઅેસઅાઈ પટેલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી ટોળું ત્યાંથી વિખેરાઈ અને અાલ્ફાવન મોલ તરફ ધસી ગયું હતું.

અાલ્ફાવન મોલની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ કશું કરી શકી ન હતી અને ટોળાઅે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની પીસીઅાર વાનમાં પણ પથ્થરમારો કરી અને તોડફોડ મચાવી હતી. બહાર પોલીસ બંદોબસ્ત અને પ્રાઈવેટ સિક્યોરિટી હોવાથી ટોળાઅે મોલની બહાર પાર્ક કરેલા વાહનોમાં અાગચંપી કરી હતી. પોલીસ હાજર હોવા છતાં પણ ટોળાને રોકવામાં નિષ્ફળ રહી હતી. જેના પગલે મોટી જાનહાનિ થઈ હતી.

અમદાવાદ શહેરના અનેક મલ્ટિપ્લેક્સોઅે ફિલ્મ પદ્માવત નહીં દર્શાવવાની ખાતરી અાપી હોવા છતાં તોફાની તત્ત્વોઅે અમદાવાદના મલ્ટિપ્લેક્સોને ગઈ કાલે સાંજે નિશાન બનાવી અને તોડફોડ કરી હતી. અા ઘટનામાં પોલીસની નિષ્ફળતા અને બેદરકારી જ છતી થઈ છે.

મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં લોકો ભેગા થયા હોય અને ભેગા થઈ વિરોધની અાશંકા જણાઈ રહી હોવા છતાં પણ પોલીસે તકેદારીનાં કોઈ પગલાં ન લીધાં અને વધારાની ફોર્સ ન મૂકવામાં અાવતાં ટોળું ત્રણ મલ્ટિપ્લેક્સોમાં પહોંચી ગયું હતું અને તોફાન મચાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે હાલમાં અાલ્ફાવન મોલ, હિમાલયા મોલ અને એક્રોપોલિસ મોલની બહાર તોડફોડ, અાગચંપીને લઈ સાણંદના પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના અનેક લોકો સામે રાયોટિંગ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિતનો ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

કોની સામે ફરિયાદ નોંધાઈ
ઋષિરાજસિંહ જાડેજા (રહે. સાણંદ), અભિરાજસિંહ ડોડિયા (રહે. સાણંદ), જયરાજસિંહ ગોહિલ (રહે. સાણંદ)
ઋતુરાજસિંહ ડોડિયા (રહે. સાણંદ), હરપાલસિંહ વાઘેલા (રહે. સાણંદ) ચંદ્રરાજસિંહ જાડેજા (રહે. સાણંદ),
હરદીપસિંહ ગોહિલ (રહે. સાણંદ), મહિપાલસિંહ વાઘેલા (રહે. સાણંદ), ધર્મરાજસિંહ જાડેજા (રહે. સાણંદ), જયપાલસિંહ જાડેજા (રહે. સાણંદ), બ્રિજપાલસિંહ ઝાલા (રહે. સાણંદ),
જયદીપસિંહ વાઘેલા (રહે. સાણંદ), ગોપાલસિંહ વાઘેલા (રહે. વીં‌િછયા), શક્તિસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા,
પૃથ્વીરાજસિંહ વાઘેલા, વીરેન્દ્રસિંહ સોલંકી, વીરુભાઈ ગાંધી, ચિરાગસિંહ રાણા, જયદીપસિંહ વાઘેલા, વિક્રમસિંહ રાઠોડ, છત્રસિંહ, જિમી વાઘેલા, અાશિષસિંહ ઝાલા,
કિરપાલસિંહ વાઘેલા, ચંદ્રસિંહ દીપસિંહ, વીરપાલસિંહ

You might also like