વિદેશી રિટેલર્સ માટે રોકાણના નિયમો હળવા કરવાની વિચારણા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વિદેશી રિટેલર્સ માટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ-એફડીઆઇના નિયમો હળવા કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે, જે અંતર્ગત સરકાર રિટેલ સેક્ટરને સંપૂર્ણ ખુલ્લું મૂકવાની અને વિદેશી કંપનીઓને ભારતમાં બનેલી ચીજો વેચવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. સરકારની આ દરખાસ્તને મંજૂરી મળશે તો સીધા વિદેશી રોકાણની નીતિમાં મહત્ત્વનો સુધારો થઇ શકે છે. સરકારની આ પોલિસી ઓફ લાઇન અને ઓનલાઇન બંનેને લાગુ પડશે, જેના કારણે વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓ પરનાં નિયંત્રણો દૂર થશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રિટેલ રોકાણ આકર્ષવાની સાથેસાથે આ પોલિસી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. ભારતમાં બનતી ચીજો કે સામાન માટે રિટેલ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનાં નિયંત્રણ દૂર કરવાનો પ્રસ્તાવ છે. સરકાર ટૂંક સમયમાં પ્રસ્તાવની ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે વોલમાર્ટ જેવા મલ્ટી બ્રાન્ડ રિટેલર્સ ભારતીય યુનિટમાં માત્ર ૫૧ ટકા સુધી હિસ્સો મેળવી શકે છે. એફડીઆઇની હાલની પોલિસી સ્થાનિક ઉત્પાદકોને ઓફલાઇન અને ઓનલાઇન ચેનલ દ્વારા પોતાનાં જ ગુડ્સ વેચવાની મંજૂરી આપે છે. વિદેશી માલિકીની રિટેલ કંપનીઓ ભારતમાં માર્કેટ પ્લેસ તરીકે કામ કરી શકે છે. સરકારની આ દરખાસ્તને મંજૂરી મળે તો મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવવાની સાથેસાથે મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળી શકે તેમ છે.

http://sambhaavnews.com/

You might also like