મણિપુરની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦૮ બેઠકઃ ભાજપ બીજા નંબરે

ઈમ્ફાલ: મણિપુરમાં ૧૧ જાન્યુઆરીએ યોજાયેલ નગર પાલિકા પરિષદ અને નગર પંચાયતોની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને કોંગ્રેસે ૨૭૮માંથી ૧૦૮ બેઠક પર વિજય હાંસલ કર્યો છે. રાજ્યના ચાર જિલ્લા ઈમ્ફાલ (પશ્ચિમ), થૌબલ ઈમ્ફાલ (પૂર્વ) અને વિષ્ણુપુરમાં ૧૮ નગર પાલિકા પરિષદ અને આઠ નગર પંચાયતમાં ૨૭૮ કોર્પોરેટર અને ૫૮૬ નગર પંચાયતના સભ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

આ ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામમાં કોંગ્રેસને ૧૦૮, ભાજપને ૬૨, સીપીઆઈને બે, લોક જનશક્તિ પાર્ટીને ચાર અને અપક્ષ ઉમેદવારને ૧૦૨ બેઠક પ્રાપ્ત થઈ છે. ૨૭૮માંથી એક બેઠક માટે કોઈ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ન હતું. પરિણામની જાહેરાત દરમિયાન મણિપુરના નાયબ મુખ્યપ્રધાન ગઈ ખંગમ અને ભાજપ રાજ્ય એકમના પ્રમુખ થૌઉના ઓજમ ચાઓબા આ ચૂંટણીમાં પોતાના પક્ષના વિજયનો દાવો કરી રહ્યા છે.

ગઈ ખંગમે જણાવ્યું હતું કે કોંગ્રેસે મોટા ભાગના અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઊતાર્યા હતા અને વિજેતા અપક્ષ ઉમેદવાર હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપના ચાઓબાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વાસ્તવમાં નુકસાનમાં ગઈ છે. કારણ કે તેણે માત્ર ૧૯૯ ઉમેદવાર જ મેદાનમાં ઉતાર્યા હતા. અગાઉ સ્થાનિક ચૂંટણીમાં ભાજપના કોઈ ઉમેદવારનો વિજય થયો ન હતો અને તેથી આટલી મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારનો વિજય એ ભાજપ માટે એક મોટી સિદ્ધિ છે. તેમણે જણાવ્યું હતું કે મણિપુરમાં મોદી લહેર દેખાઈ રહી છે અને ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં અમે મજબૂત રીતે કોંગ્રેસ વિરુદ્ધ લડીશું.

You might also like