કોંગ્રેસના ‘વિઝન ડોક્યુમેન્ટ’માં રિવરફ્રન્ટનો ‘ર’ અને કાંકરિયાનો ‘ક’ પણ નહીં!

અમદાવાદ: કોંગ્રેસના ગઈ કાલે પ્રસિદ્ધ કરાયેલા પંદર પાનાંના ‘વિઝન ડોક્યુમેન્ટ’માં અમદાવાદના મહત્ત્વપૂર્ણ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના સંદર્ભમાં કોઈ જ ઉલ્લેખ કરાયો નથી. આ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ અંગે પણ કોંગ્રેસનું કોઈ ‘વિઝન’ નથી. આમ, રિવરફ્રન્ટના ‘ર’ અને કાંકરિયાના ‘ક’ વગરના વિઝન ડોક્યુમેન્ટથી જાણકાર વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસનકાળ દરમિયાન વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે વારંવાર સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટના મામલે શાબ્દિક પ્રહાર કર્યા છે. રિવરફ્રન્ટ પાછળ પ્રજાના પરસેવાની કમાણીના કરોડો-કરોડો રૂપિયાનું નાહકનું આંધણ કરાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ લોકોપયોગી બન્યો નથી જેવાં છાસવારે નિવેદન બહાર પાડ્યાં છે.

કાંકરિયા લેકફ્રન્ટમાં ‘કાર્નિવલ’ના તમાશા પાછળ દર વર્ષે લાખો રૂપિયા વેડફી દેવાય છે. એન્ટ્રી ફીનું તૂત ચલાવીને નાગરિકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે તેવા અનેક આક્ષેપ કરનાર કોંગ્રેસે એન્ટ્રી ફી નાબૂદ કરવા આંદોલન પણ છેડ્યું હતું. કાંકરિયાના લોખંડી દરવાજા બધાં માટે ‘ખુલ્લા’ મૂકવા કોંગ્રેસના પ્રયાસો હજુ તાજા જ લાગે છે.

તેમ છતાં પક્ષના ‘વિઝન ડોક્યુમેન્ટ’માં કાંકરિયાની એન્ટ્રી ફ્રી નાબૂદ કરાશે તેની કોઈ ઉલ્લેખ જ નથી! દર વર્ષે તા. ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી દબદબાભેર ઊજવાતો કાંકરિયા કાર્નિવલ કોંગ્રેસ સત્તા પર આવશે તો ચાલુ રાખશે કે બંધ કરી દેવાશે તે બાબતે પણ કોઈ ઉલ્લેખ નથી.

આમ, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદીઓને સ્પર્શતા સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટ અંગે ભેદી મૌન પળાયું છે. જો કે હવે કાંકરિયા લેકફ્રન્ટની એન્ટ્રી ફી અંગે કોંગ્રેસે પીછે હટ કર્યું હોય તેવું લાગે છે. કેમ કે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલને પૂછતાં તેઓ કહે છે કે,
કાંકરિયા એન્ટ્રી ફી અંગે પુનઃ મૂલ્યાંકન કરીશું.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સંદર્ભે તેઅો કહે છે. અા પ્રોજેક્ટ પૂર્ણતાના અારે છે પરંતુ જો કોંગ્રેસ સત્તા પર અાવશે તો રિવરફ્રન્ટના પ્લોટની વેચાણ પ્રક્રિયા પર કોંગ્રેસની બાજ નજર રહેશે.

You might also like