કોંગ્રેસનું મિશન યુપીઃ ખરેખર પક્ષ માટે લાભદાયી નિવડશે?

આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મિશન યુપી હેઠળ શીલા દીક્ષિતને યુપીના મુખ્યપ્રધાનના ઉમેદવાર બનાવી રાજકીય સ્તરે થઈ રહેલાં અનુમાનોમાં વધારો કર્યો છે ત્યારે અેવી ચર્ચા ચાલી રહી છે કે આ વખતનું મિશન યુપી કોંગ્રેસને ખરેખર સફળતા અપાવી શકશે? ૧૯૯૦માં આ રાજ્યની સત્તા કોંગ્રેસના હાથમાંથી સરકી ગયા બાદ યોજાયેલી કોઈ પણ ચૂંટણીમાં તે મુખ્ય મુકાબલામાં જોવા મળી ન હતી અને તે રાજ્યના રાજકારણમાં અેક તરફ ફેંકાઈ ગઈ હતી, જોકે આ દરમિયાન ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને આશ્ચર્યજનક રીતે રાજ્યની ૮૦ સીટમાંથી ૨૧ સીટ મળી હતી, પરંતુ તેની આવી સફળતા માત્ર ક્ષણિક રહી હતી, કારણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે સીટથી સંતોષ માનવો પડ્યો હતો. તેને માંડ સાડા સાત ટકા જ મત મળ્યા હતા, જે પક્ષ માટે ચિંતાનું કારણ ગણાય છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આવા આધારે જ ચૂંટણીમાં ઝંપલાવવું પડશે ત્યારે અે વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે હાલ તો કોઈ ઊજળા સંજોગો જોવા મળતા નથી. જ્યારે બીજી તરફ ભાજપ, સપા અને બસપા પાસે ચોક્કસ મતબેન્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે ૧૩૧ વર્ષ જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસને હાલ તેના ઈતિહાસના સૌથી ગંંભીર ગણાતા સંકટમાંથી પસાર થવાનો વારો આવી ગયો છે. આવી સ્થિતિમાં પક્ષનું મનોબળ તૂટી ગયું છે અને તેના કારણે જ હવે કદાચ કોંગ્રેસે કરેંગે યા મરેંગેની ની‌િત અપનાવી યુપીના મામલે ઊંચો રાજકીય દાવ ખેલ્યો છે.

યુપીમાં સપા ઓબીસી અને બસપા દલિત ચહેરા સાથે મેદાનમાં ઊતરશે ત્યારે બ્રાહ્મણ ચહેરા સાથે મતદારોના અલગ વર્ગને લલચાવવા કોંગ્રેસ તરફથી પ્રયાસ કરવામાં આવશે તે વાત પણ નક્કી છે ત્યારે તેની આવી કોશિશ કેટલા અંશે સફળ થઈ શકે છે? તે સવાલ છે. ૨૦૧૪માં ભાજપને સ્વર્ણ જાતિનું સમર્થન મળ્યું હતું ત્યારે અેક અનુમાન અેવું પણ થઈ રહ્યું છે કે બ્રાહ્મણ મુખ્યપ્રધાનની આશાઅે સ્વર્ણ મતદારોનો એક વર્ગ કોંગ્રેસ તરફ વળશે અને આ પરિબળ ભાજપ માટે નુકસાનકારક સાબિત થશે. શીલા દીક્ષિતનું નામ જાહેર કર્યા પહેલાં કોંગ્રેસે રાજ બબ્બરને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી.

શીલા દીક્ષિત ઉન્નાવના ઉમાશંકર દીક્ષિતનાં પુત્રવધૂ છે અને આ સંબંધે તેઓ તેમને યુપીનાં પુત્રવધૂ ગણાવે છે. દિલ્હીમાં તેઓ ૧૫ વર્ષ મુખ્યપ્રધાનપદે રહ્યાં હતાં ત્યારે પ્રાથમિક સુવિધાઓને ખાસ પ્રાધાન્ય આપી તેમણે દિલ્હીમાં સારો અેવો વિકાસ કર્યો હતો તેના કારણે તેમની અેક સારા નેતા તરીકેની છાપ પ્રજા સમક્ષ ઊભી કરી શક્યાં હતાં, જોકે બીજી તરફ રાજ બબ્બર પાસે યુપીનો સારો અનુભવ છે તેમજ તેમની સાથે ફિલ્મી ગ્લેમર પણ સંકળાયેલ છે.

મુસ્લિમ મતદારોને પક્ષ તરફ ખેંચવાના પ્રયાસમાં કોંગ્રેસના ઉગ્ર નિવેદન માટે પંકાયેલા ઈમરાન મસૂદને પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે. જોકે કહેવાનો મતલબ અે છે કે કોંગ્રેસ આ વખતે અેક અલગ સામાજિક સમીકરણ રચવાના મૂડમાં હોય તેવું લાગે છે, જોકે આની પાછળ ચૂંટણીના રણની‌િતકાર પ્રશાંત કિશોરની સલાહને મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. આ રણની‌િત હેઠળ કોંગ્રેસની નજર ૧૦૦ સીટ જીતવા પર છે અને કદાચ જો આ બાબત શક્ય બનશે તો યુપીમાં કોંગ્રેસની સત્તા આવી શકે તેમ છે, તેનાથી કોંગ્રેસને અેક નવો ઓક્સિજન મળી રહેશે અને પક્ષના મનોબળમાં વધારો થશે તેમજ તેના કારણે પક્ષના પુનરોદ્ધારની શરૂઆત થઈ શકે તેમ છે, જોકે આવાં તમામ અનુમાન હજુ સાકાર થવાનાં બાકી છે, પરંતુ કોંગ્રેસના સમર્થકો એ વાતનો સંતોષ માની રહ્યા છે કે તેમના નેતાઓ હવે યુપીના મામલે ગંભીર બની આગળ વધી રહ્યા છે અને આ વખતે પક્ષની એક ચોક્કસ રણનીતિ નજરે પડી ગઈ છે.

આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપે જાહેર કરેલી પ્રદેશ કારોબારી સીમિત બાદ નવો રાજકીય દાવ ખેલી શીલા દીક્ષિતનું નામ મુખ્યપ્રધાન તરીકે જાહેર કરી હાલ તો રાજકીય સ્તરે ગરમાવો લાવી દીધો છે, પરંતુ કોંગ્રેસનું આ મિશન યુપી આગામી ચૂંટણીમાં કેટલા અંશે કારગત નિવડશે તે તો આવનાર સમય જ કહી બતાવશે.

કોંગ્રેસના આવા નિર્ણયથી ભાજપ, સપા અને બસપાના નેતાઓ પણ વિચારતા થઈ ગયા છે કે ખરેખર આ વખતની યુપીની ચૂંટણીમાં તેમને વિજય માટે વધુ મહેનત કરવી પડશે કે કેમ? ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસને આમાં કેવી સફળતા મળે છે?

You might also like