ખેડૂતોનાં નામે રાજકીય રોટલા શેકાયા : કોંગ્રેસનો સત્યાગ્રહ, 3 ખેડૂતોની આત્મહત્યા

ભોપાલ : મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલનનાં મુદ્દે હવે રાજનીતિમાં ગરમી આવી ગઇ છે. આગામી સમયમાં પણ તે શાંત પડે તેવી કોઇ શક્યતાઓ દેખાઇ નથી રહી. કોંગ્રેસે મંદસૌરમાં ખેડૂતો પર થયેલ ગોળીબારનાં વિરોધમાં બુધવારથી 72 કલાકનાં સત્યાગ્રહની જાહેરાત કરી હતી. જેનાં હેઠળ સીરિઝમાં ખેડૂતોની મહાપંચાયત આયોજીત કરવામાં આવશે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ પણ બુધવારે મંદસૌર જિે પીડિત પરિવારોની મુલાકાત લેવાનાં છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ગત્ત 24 કલાકમાં ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. લેણા અને સરકારી અધિકારીઓની લાલીયાવાડીથી પરેશાન બે ખેડૂતોએ મોતને વ્હાલુ કર્યું હતું. તો એક દેવામાં ડૂબેલા ખેડૂતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ ત્રણેય કેસમાં તપાસ કરી રહી છે.

મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને હાર્દિક પટેલની મંદસૌર પહોંચે તે પહેલા અટકાયત કરી લેવામાં આવી હતી. જેનાં કારણે વિપક્ષ એકવાર ફરી ભડકી ઉઠ્યો છે. અગાઉ રાહુલ ગાંધીએ પણ મંદસૌરની મુલાકાતે આવ્યા ત્યારે તેમની ધરપકડ કરીને જામીન આપી દેવાયા હતા. દશેરા મેદાનમાં કોંગ્રેસ મંગળવારથી સત્યાગ્રહની શરૂઆત કરવા જઇ રહ્યું છે.

You might also like