જો આજે રાજ્યપાલ સરકાર રચવા નહીં બોલાવે તો કોંગ્રેસ-JDS સુપ્રીમમાં જશે

બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ હવે સરકાર રચવા માટે રાજકીય તડજોડ પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અહેવાલો અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગલુરુમાં ડેરાતંબૂ તાણીને બેઠેલા પક્ષના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ સાથે વાત કરી છે અને કર્ણાટકમાં જનતા દળ (એસ)-કોંગ્રેસના ગઠબંધનની સરકાર રચવા માટે તમામ તાકાત કામે લગાવવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ ગુલામનબી આઝાદને સરકાર રચવા એડીચોટીનું જોર લગાવવા જણાવ્યું છે.

દરમિયાન કોંગ્રેસ અને જનતા દળ (એસ) પોતાના તમામ ધારાસભ્ય સાથે બેઠક કરી રહ્યાં છે. બંને પક્ષોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના તમામ ધારાસભ્યોને ભાજપ દ્વારા ખરીદ-વેચાણથી બચાવવા માટે વૈભવી રિસોર્ટમાં મોકલી રહ્યા છે. સાથે-સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે જો રાજ્યપાલ આજે અેમને સરકાર રચવા પ્રથમ આમંત્રણ નહીં આપે તો તેઓ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કર્ણાટકના રાજ્યપાલ આજે જનતા દળ (એસ) કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ નહીં આપે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. બીજી બાજુ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન અને જે. પી. નડ્ડા પણ જોડાયા છે.

પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાય ધારાસભ્ય કોંગ્રેસ-જનતા દળ (એસ) ગઠબંધનથી ખફા છે. અમે લોકતાંત્રિક રીતે સરકાર બનાવીશું. લોકો અહીં ભાજપની સરકાર ઈચ્છે છે અને અમે લોકોની ઈચ્છા પૂરી કરીશું. કોંગ્રેસ પાછલા દરવાજેથી સરકાર રચવાની કોશિશ કરી રહી છે તે યોગ્ય નથી.

You might also like