તલાલાનાં ધારાસભ્ય જસુ બારડનું નિધન : ગુજરાત વિધાનસભા ફરી ખંડીત

અમદાવાદ : તાલાલાનાં ધારાસભ્ય અને જુનાગઢનાં પૂર્વ સાંસદ જશુ બારડનું અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે નિધન થયું છે. જશુભાઇનાં મૃત્યુ બાદ એક જ દિવસ માટે પુર્ણ થઇને વિધાનસભા ફરીથી ખંડીત થઇ ગઇ છે. 15 સપ્ટેમ્બર,1955માં જન્મેલા જશુભાઇ બારડે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત તાલુકા લેવલ પરથી કર્યું હતું. 1990માં તેઓ સોમનાધ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રથમ વખત ચૂંટાઇ આવ્યા હતા. 1991થી 1995 દરમિયાન કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.
ઝળ અને સંસાધન મંત્રાલય સંભાળતા જશુભાઇએ નર્મદા ડેમ, ઉકાઇ ડેમ જેવા પ્રોજેક્ટોમાં મહત્વની કામગિરી નિભાવી હતી. 2004માં કોંગ્રેસે તેમને જૂનાગઢની લોકસભામાંથી ટીકિટ આપી હતી. જ્યાં તેઓએ ભાજપનાં સાંસદ ભાવના ચિખલીયાને 48 હજાર જેટલા મોટા માર્જિનથી પરાજય આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સૂરતની ચોર્યાસી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું કાલે જ પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપનાં ઝંખના પટેલ જીતતા ગુજરાતની વિધાનસભા ફરીથી પુરી થઇ ગઇ હતી. જો કે એક જ દિવસ બાદ આ દુખદ ઘટના સાથે ગુજરાત વિધાનસભા ફરીથી ખંડીત થઇ ચુકી છે.
બારડનાં મોત અંગે અર્જુન મોઢવાડીયાએ શોક પ્રકટ કરતા જણાવ્યું હતું કે બારડનો ખાલીપો હવે વર્તાઇ રહ્યો છે. બારડ એવું વ્યક્તિત્વ હતું કે જે પક્ષા પક્ષીમાં પડ્યા વગર લોકો અને ગુજરાતનાં વિકાસ માટે કામ કરતા હતા. બારડનાં નિધનનાં કારણે ગુજરાત કોંગ્રેસને એક મોટી ખોટ પડી છે. જે પુરવી અશક્ય છે.

You might also like