કોંગ્રેસે અસાદુદ્દીન ઓવૈસીના સમર્થકોને પટાવી લીધા

અમદાવાદ: બિહારમાં અલગ મુસ્લિમ ચોકો તાણી ચૂંટણીમાં જંપલાવનાર અસાદુદ્દીન ઓવૈસીનો ઈરાદો ગુજરાત અને તેમાં પણ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝુકાવી દેવાનો હતો, પરંતુ કોંગ્રેસે ભારે ચતુરાઈપૂર્વક ‘પાણી પહેલાં પાળ’ બાંધીને અમદાવાદના ઓવૈસીના સમર્થકોને જ પટાવી લેતાં એક કાંકરે અનેક પક્ષી પાડ્યાં છે. એક તો કોંગ્રેસે મુસ્લિમ મતદારોનું મત વિભાજનને ટાળ્યું છે અને બીજું તો ભાજપના ‘઼ડિવાઈડ એન્ડ રૂલ’નાં સ્વપ્ન પર પાણી ફેરવી દીધું છે.
સામાન્ય રીતે ભાજપ હિન્દુત્વવાદી પાર્ટી ગણાય છે. હિન્દુ મતદારોને પ્રભાવિત કરીને ભાજપ ચૂંટણી જંગ જીતતું આવ્યું છે, પરંતુ પહેલી વખત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને ભાજપ ‘હિન્દુ કાર્ડ’ રમવાનું નથી એટલે કે ભાજપને મુસ્લિમ મતો મેળવીને મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ કે વિસ્તારોમાં ‘મસમોટાં’ ગાબડાં પાડવાં છે.

ઓવૈસીના લોકલ યુનિટે ગત તા. ૬ સપ્ટેમ્બરે અમદાવાદમાં મોટા પાયે બેઠક બોલાવી હતી, પરંતુ છેક દિલ્હી દરબારથી ‘પ્રેશર’ લાવીને કોંગ્રેસે ઓવૈસી સમર્થકોની બેઠકને રદ કરાવવામાં સફળતા મેળવી હતી.

હવે ઓવૈસીના ઉમેદવારો બિહારમાં કંાઈ ઉકાળી ન શકવાથી મુસ્લિમના રાષ્ટ્રીય નેતા બનવાની ઓવૈસીની મનશા તો હવાઈ જ ગઈ છે, પરંતુ કોંગ્રેસના ‘મિડાસ ટચ’થી ઓવૈસીનું લોકલ યુનિટ જ ‘પંજા’માં સમાઇ જવાનું છે.

શહેરના અગિયાર વોર્ડમાં મુસ્લિમ મતદારોનું ઓછું વત્તું વર્ચસ્વ છે. જેમાં પાંચ વોર્ડમાં તો કોંગ્રેસે ભાજપનો સંયુક્ત સહારો કરવા અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને સમજાવવામાં મહંદશે સફળ નિવડ્યું હોઈ ભાજપના ખાતામાં આ વોર્ડોની નોંધપાત્ર બેઠક આપવાની નથી, પરંતુ ખાડિયા, સરસપુર, રખિયાલ, શાહપુર જેવા વોર્ડમાં પણ કોંગ્રેસના એક બે ઉમેદવાર મળી શકે તેમ છે. જેને કારણે મુસ્લિમ મતદારો શાંત આક્રમકતાની ‘બિહાર પેટર્ન’ અપનાવીને પાંત્રીસેક બેઠક કોંગ્રેસની ઝોળીમાં નાખે તેવી શક્યતા જોરશોરથી ચર્ચાઈ રહી છે. અત્રે યાદ રહે કે બિહારમાં ૧૮ ટકા મુસ્લિમ મતદારોએ ૬૫ ટકા જેટલું ઊંચું મતદાન કર્યું હતું.

You might also like