કોળી સમાજનાં મતદારોને રિઝવવા કોંગ્રેસની રણનીતિ, કુંવરજી બાવળિયા સામે ઘડશે એક્શન પ્લાન

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં કોળી નેતાઓનું સંમેલન મળવાનું છે. ત્યારે કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ એક્શન પ્લાન ઘડવાનાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલાં કોળી સમાજનાં નેતાઓ એકઠા થવાનાં છે અને કોળી સમાજનાં ધારાસભ્યો, પ્રમુખો અને અગ્રણીઓ ભેગાં મળીને પ્લાન બનાવવાનાં છે. બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કોંગ્રેસનાં તેવર પણ બદલાઇ ગયાં છે.

જિલ્લા અને તાલુકાનાં પદાધિકારીઓ સાથે કોળી સમાજનાં નેતાઓ સંમેલન કરવાનાં છે. આ ઉપરાંત આ સંમેલનમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજરી આપવાનાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાવળિયા ભાજપમાં ગયા બાદ કોળી સમાજનાં મતદારોને રિઝવવા માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસથી નારાજ હતાં. જેથી તેઓએ જસદણનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ બાદમાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજનાં મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે હવે નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસ કોળી સમાજનાં કોઇ મોટા માથાને કદાચ બાવળિયાનું સ્થાન આપી શકે તેવી સંભાવના છે.

You might also like