કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, મણિશંકર ઐય્યરને પ્રાથમિક સભ્ય પદેથી કર્યા સસ્પેન્ડ

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસનાં પીઢ નેતા મણિશંકર ઐય્યરને કોંગ્રેસે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધાં છે. તેમને શા માટે સસ્પેન્ડ કર્યા તે અંગેની કારણદર્શક નોટિસ પણ મણિશંકર ઐય્યરને પાઠવી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરી માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે,”કોંગ્રેસનાં નેતા મણિશંકર ઐય્યરે પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ “નીચ” જેવાં શબ્દોથી આપત્તિજનક શાબ્દિક ટિપ્પણી કરી હતી. જેનાં કારણે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજ્ય સભાનાં સાંસદ અને સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અહેમદ પટેલે ટ્વિટ કરીને મણીશંકર ઐય્યરને માફી માગવાની ફરજ પાડી હતી.

જો કે, ત્યાર બાદ મણિશંકર ઐય્યરે પણ પોતાનાં શબ્દપ્રયોગને લઇ મીડિયા સમક્ષ માફી માગી હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેનાં માહોલને લઇ કોંગ્રેસને પોતાની રાજનીતિક છબી ખરડાવવાનું પોષાય તેમ નથી.

જેને લઇ કોંગ્રેસે મણિશંકર ઐય્યરને પીએમ મોદી પરનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ પોતાનાં પક્ષનાં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે. અને આ અંગેની માહિતી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને આપી હતી.

You might also like