અમદાવાદમાં મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસના ધરણા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહેશે ઉપસ્થિત

સૌરાષ્ટ્રમાં થયેલ મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ આક્રમક છે.હાઈકોર્ટના સિટીંગ જજની આગેવાનીમાં તટસ્થ તપાસની માગણી સાથે કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. કોંગ્રેસ શહેર સહિત જિલ્લાઓમાં ધરણા સહિતના કાર્યક્રમો યોજી રહી છે. આજે અમદાવાદમાં મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ધરણા યોજી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં ધરણા યોજાશે. ધરણાના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહેશે.સાથે કોંગ્રેસના કાર્યકરો પણ ધરણામાં જોડાશે.

કૌભાંડમાં યોગ્ય તપાસની કોંગ્રેસ માંગ કરશે. ઉલ્લેખનીય છે કે, મગફળી કૌભાંડ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એક સપ્તાહથી ધરણા કરી રહ્યા છે.

રાજ્યમાં વ્યાપેલા મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માગ સાથે ગઇકાલે કોંગ્રેસના રાજ્યભરના તમામ જિલ્લા સેન્ટરો પર ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કૌભાંડમાં સંડોવાયેલા તમામને કડક સજાની માગ સાથે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન ચલાવામાં આવી રહ્યું છે.

ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ભાવનગર ખાતે ધરણા કરવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, આ મામલે પરેશ ધાનાણી છેલ્લા એક સપ્તાહથી પ્રતિક ઉપવાસ કરીને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે.

You might also like