કોંગ્રેસમાં જ રહીશ, રાજ્યસભાની બેઠકની ઓફરની વાત અફવા

અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઇને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના તર્કવિતર્ક ઊઠી રહ્યા છે. તેઓ કોંગ્રેસથી નારાજ હોઇ પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે મળીને પક્ષ સાથેનો છેડો ફાડશે તેવી પણ અટકળો થઇ રહી છે.

જોકે ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જે ધારાસભ્યોના નામ ચર્ચામાં હતા તેવા ૧૩ ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નિષ્ઠા મીડિયા સમક્ષ જાહેર કરી હતી, પરંતુ શંકરસિંહ વાઘેલાના ધારાસભ્ય પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગેરહાજર રહેતાં નવેસરથી અટકળો તેજ બની હતી. આ દરમિયાન ભાજપે મહેન્દ્રસિંહ વાઘેલાને રાજ્યસભાના સંસદસભ્યની બેઠક ઓફર કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જોકે મહેન્દ્રસિંહ વાઘેલાએ આ ચર્ચાને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે અને પોતે કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશે. તેમ જણાવીને કોંગ્રેસ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યકત કરી હતી.

મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે સવારે સમભાવ મેટ્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની સાથે હું હાજર રહી ન શકયો તેનું કારણ મારી નારાજગી નથી, પરંતુ તે સમયે હું અમદાવાદ અને ગાંધીનગરની બહાર હતો. મેં શંકરસિંહ બાપુ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતને ફોન કરીને અગાઉથી જાણ પણ કરી હતી. મને ભાજપ તરફથી રાજ્યસભાના સંસદસભ્યની કોઇ ઓફર આવી નથી. આ ફકત અફવા જ છે.

હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. હવે પછીના પક્ષના કોઇ પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો પણ પ્રયત્ન કરીશ તેવી સ્પષ્ટતા પણ મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલની પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલ સહિતના કેટલાક શંકરસિંહ વાઘેલા જૂથના કેટલાક સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like