‘પાસ’ના અગ્રણીઓ સાથે બેઠક બાદ ભરતસિંહ એકાએક દિલ્હી ઉપડ્યા

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ ફરીથી મહત્ત્વનો ભાગ ભજવે તેવી શકયતા છે. રાજ્યના રાજકારણમાં વર્ષોથી મહત્ત્વનું સ્થાન ધરાવતો પાટીદાર સમાજ મહદંશે ભાજપ સાથે જોડાયેલો છે. પરંતુ ગઇ કાલે પાસના કેટલાક આગેવાનોએ પોતાની માગણીઓના સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે બેઠક કર્યા બાદ આજે સવારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પૂર્વ નિર્ધા‌િરત કાર્યક્રમ ન હોવા છતાં એકાએક દિલ્હી રવાના થતાં કોંગ્રેસ અને પાસનાં નવા સમીકરણોની રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊઠી છે.

પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રો કહે છે, પક્ષમાં પાટીદાર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ અપાયું છે. રાઘવજી પટેલ અને જીતુ પટેલ પ્રદેશ ઉપપ્રમુખના સ્થાને છે. વીરજી ઠુમર કિસાન વિભાગ અને બાબુ માંગુકિયા લીગલ વિભાગના પ્રમુખ છે. ધારાસભ્ય પરેશ ધાનાણી એઆઇસીસીના સભ્ય છે. જ્યારે પ્રદેશ પ્રવક્તાપદે હિમાંશુ પટેલ પણ મનીષ દોશીની સાથે જવાબદારી સંભાળી રહ્યા છે.

જોકે પાસના અગ્રણીઓની કોંગ્રેસમાં પાટીદારોને વધુ પ્રતિનિધિત્વ આપવા સહિતની વિવિધ માગણીઓ સંદર્ભે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથેની ગઇ કાલની બેઠક બાદ આજે સવારે ભરતસિંહ દિલ્હી જવા રવાના થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પાટીદાર સમાજને અનામત, પાટીદાર આયોગ, રપ ઓગસ્ટના જીએમડીસી સંમેલન બાદના ઘટનાચક્રમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારને સરકારી નોકરી તેમજ વળતર વગેરે મુદ્દાઓ સંવેદનશીલ હોઇ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાઇકમાન્ડનું આ અંગે માર્ગદર્શન લેવા દિલ્હી દોડી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભરત‌િસંહની દિલ્હી મુલાકાતના પગલે કોંગ્રેસના સંગઠનના નવા માળખામાં પાટીદાર સમાજને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે તેમ પણ પક્ષના ટોચના સૂત્રો વધુમાં જણાવે છે.
http://sambhaavnews.com/

You might also like