ર૧ જિલ્લા, ૧ર૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

ગાંધીનગર: રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં આજે ૩૧માંથી ર૧ જિલ્લા અને ર૩૦માંથી ૧ર૪ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. જેના કારણે ભાજપના “કોંગ્રેસ મુક્ત ગુજરાત”ના સૂત્રને કોંગ્રેસે પછડાટ આપી છે. લાંબા સમય બાદ કોંગ્રેસે રાજ્યની ૬૦ ટકાથી વધુ જિલ્લા પંચાયતો અને પપ ટકા જેટલી તાલુકા પંચાયતો કબજે કરીને રાજ્યમાં “નવસર્જન ગુજરાત”ના સૂત્રને સાર્થક કર્યું છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૦ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં નવ જિલ્લા પંચાયત અને પપ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખપદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.  જેમાં મોરબી, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, છોટા ઉદેપુર અને તાપી જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જ્યારે પપ તાલુકા પંચાયતોમાં માળિયા, ટંકારા, મોરબી, બોટાદ, રાણપુર, ગઢડા, જામનગર, ધ્રોળ, જોડિયા, કાલાવાડ, બગસરા, લાઠી, બાબરા, લિલિયા, વંથલી, ભેંસાણ, જૂનાગઢ, માણાવદર, વિસાવદર, ઉપલેટા, જેતપુર, લોધિકા, પડધરી, કોટડા સાંગાણી, જસદણ, વિંછિયા, ખંભાળિયા, વેરાવળ, તાલાલા, પાલિતાણા, ગારિયાધાર, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી, વિજયનગર, ખેડબ્રહ્મા, માતર, ખેડા, મહુધા, ગલતેશ્વર, આણંદ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, પાવી-જેતપુર, માંડવી (સુરત), વાંસદા, ચીખલી, ખેરગામ, વ્યારા, સોનગઢ (તાપી), ઉચ્છલ, કુકરમુંડ અને તિલકવાડા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. ઉપરોક્ત નવ જિલ્લા અને પપ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

આ ઉપરાંત ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપના નવ-નવ સભ્યો હોવાથી ટાઇ પડી હતી. પરંતુ કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહેતા ડાંગમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા હતા. જ્યારે ગીર સોમનાથમાં અપક્ષોએ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો ખેસ પહેરી લેતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઇ આવ્યા હતા.

You might also like