મહેબુબા મુફ્તી સાથે સોનિયા ગાંધીની મુલાકાત : રાજકીય અટકળો શરૂ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પાર્ટી નેતા ગુલામ નબી આઝાદની સાથે પીડીપી નેતા મહેબુબા મુફ્તીને મળવા તેમનાં ઘરે ગયા હતા. જો કે કોંગ્રેસ અને પીડીપીએ આ મુલાકાતને અંગત જણાવી હતી અને કહ્યું કે સોનિયા મુફ્તી મોહમ્મદનાં મૃત્યુ બાદ સાંત્વના માટે મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સોનિયા ગાંધીએ પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે આ ખાસ મુલાકાત યોજી હતી.
તે ઉપરાંત માર્ક અને પરિવહન મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ પણ શ્રીનગર ખાતે મહેબુબા મુફ્તીનાં ઘરે પહોંચીને તેમની મુલાકાત યોજી હતી. મહેબુબા મુફ્તી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું કે શોક સંવેદના વ્યક્ત કરવા માટે મુફ્તી સાથે મુલાકાત યોજી હતી. અગાઉ શનિવારે ગૃહમંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે ગવર્નર એન.એન વોહરાએ જણાવ્યા બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની સ્વિકૃતી આપી દીધી છે. રાજભવનનાં પ્રવક્તા અનુસાર 8 જાન્યુઆરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે.
બીજી તરફ મુફ્તી મોહમ્મદ સઇદનાં નિધન બાદ મહેબુબા મુફ્તીએ મુખ્યમંત્રી પદની શપથ ન લેવી અને બીજી તરફ ભાજપનું પણ ઔપચારિક રીતે મહેબુબાને સમર્થનની જાહેરાત કરવી વગેરે બાબતો રાજનીતિક અટકળોને હવા આપી રહી છે.

You might also like