કોંગ્રેસના પ્રમુખપદે રાહુલની તાજપોશી રાજ્યોની ચૂંટણી પછી

કોંગ્રેસ કારોબારી સમિતિએ શ્રીમતી સોનિયા ગાંધીને કોંગ્રેસનાં પ્રમુખ તરીકે વધુ એક વર્ષની મુદત લંબાવી આપી છે. કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી પક્ષનાં પ્રમુખપદે રહેલાં સોનિયાને આમ બીજી વખત મુદત લંબાવી આપવામાં આવી છે. પક્ષનું સુકાન રાહુલ ગાંધીને સોંપવાની વાત હવે આગામી વર્ષમાં આવી રહેલી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછીના સમયગાળા સુધી પાછી ઠેલવામાં આવી છે.

રાહુલ અત્યારે આ ચૂંટણીઓ માટે પક્ષની તૈયારીઓમાં અને જનસંપર્ક ઝુંબેશમાં વ્યસ્ત હોવાનું કારણ આપવામાં આવ્યું છે. પક્ષમાં ચાલતી ચર્ચા પ્રમાણે એ બહાને ચૂંટણીમાં રાહુલના નેતૃત્વનો દેખાવ કેવો રહે છે એ પણ જાણી શકાશે. રાહુલ ગાંધીની સાથે હવે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની સક્રિયતા વધી છે. તેનો ઉદ્દેશ પણ રાહુલના નેતૃત્વને નિખારવાનો છે. તાજેતરમાં દિલ્હીમાં પૂર્વ સૈનિકની આત્મહત્યાના પગલે સરકારવિરોધી દેખાવો દરમિયાન રાહુલની ધરપકડ કરાઈ હતી તેને કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના પુનરોત્થાનના સંકેત તરીકે ગણાવી હતી. રાહુલને એ માટે પ્રેરિત કરવાનો આઇડિયા પ્રિયંકાનો હોવાનું કહેવાય છે.

You might also like