કોંગ્રેસના ટોચના નેતાઓ ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોરની પડખે

નવી દિલ્હી: પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીનીતિ ઘડવા માટે નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસના નેતાઓ સાથે થયેલા મતભેદોના પગલે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે એવા અહેવાલો વચ્ચે કોંગ્રેસનાં ટોચનાં વર્તુળોએ જાહેર કર્યું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ હાઇકમાન્ડનો વિશ્વાસ હજુ પણ ધરાવે છે.

પ્રશાંત કિશોર અને કોંગ્રેસના કેટલાક મહામંત્રીઓ વચ્ચે મતભેદો ઊભા થયાની વાતને સ્વીકારતાં સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નિયુક્ત કરાયેલા ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર હજુ પણ કોંગ્રેસ સાથે જ છે.
પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે હજુ પણ ‘કમ્ફર્ટેબલ’ છે. અલબત્ત, પ્રશાંત કિશોર અને કોંગ્રેસના બે મહામંત્રી-મધુસૂદન મિસ્ત્રી અને પંજાબના પ્રભારી શ‌િકલ અહેમદ વચ્ચે થોડા મતભેદો સર્જાયા હતા.

સૂત્રોઅે ઉમેર્યું હતું કે પ્રશાંત કિશોરને એઆઇસીસીના મહામંત્રીઓ સાથે સંવાદ કરવા કે ચર્ચા કરવાની બ્રીફ સોંપવામાં આવી નથી. તેના બદલે ચૂ્ંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાઇકમાન્ડ અને પંજાબ કોંગ્રેસના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. પ્રશાંત કિશોરે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારના મહાગઠબંધનને પોતાની રણનીતિ દ્વારા પ્રચંડ જીત અપાવી હતી.

કોંગ્રેસના કેટલાક મહામંત્રીઓએ પ્રશાંત કિશોરના કામ સાથે નારાજગી વ્યક્ત કરી છે એવા તાજેતરના મીડિયા રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસનાં વર્તુળોએ જણાવ્યું હતું કે રણનીતિકાર પ્રશાંત કિશોર કંઇક અલગ કામગીરી કરી રહ્યા છે અને તેઓ કોંગ્રેસ માટે કંઇક નવું કરવાની કામગીરી કરવાનું ચાલુ રાખશે.

પ્રશાંત કિશોર ખરેખર કેટલાક નવા આઇડિયા કોંગ્રેેસને આપી રહ્યા છે, જેના કારણે કેટલાક મતભેદો ઊભા થાય અે સ્વાભાવિક વાત છે, કારણ કે કોંગ્રેસની ક્રાંતિકારી પરિવર્તન અપનાવવામાં મંથરગતિ છે. કોંગ્રેસના મહામંત્રીઓ થોડા અવઢવમાં છે, કારણ કે પ્રશાંત કિશોરે તદ્દન અલગ અને નવી રણનીતિ અને પ્રયુક્તિઓ અપનાવવા સૂચન કર્યું છે,
હાલના તબક્કે પ્રશાંત કિશોર કોંગ્રેસની કામગીરી છોડશે એવી શક્યતાને કોંગ્રેસી સૂત્રોએ નકારી કાઢી છે.

અલબત્ત, પ્રશાંત કિશોર અને એઆઇસીસીના કેટલાક કારભારીઓ વચ્ચે થયેલી ચડભડને કારણે પંજાબમાં પક્ષની તકો પર અસર પડી શકે છે કે જ્યાં કોંગ્રેસ, આપ અને અકાલીદળ વચ્ચે ત્રિપાં‌િખયો જંગ ખેલાવાની શકયતા છે. પંજાબમાં પક્ષનું સંગઠન નબળું હોવાથી પ્રશાંત કિશોરે કેટલાંક ક્રાંતિકારી પગલાં લેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પાયાના સ્તરે કાર્યકરોનો જુસ્સો વધારવા બ્લોક સ્તરે કાર્યાલયો ખોલવાના સૂચનથી પ્રશાંત કિશોરના વિરોધીઓમાં હલચલ મચી ગઇ છે.

યુપીની ચૂંટણી પર દેખરેખ રાખવા કમલનાથ, શીલા દી‌િક્ષત અને ગુલામનબી આઝાદ સહિતના નેતાઓની નવી ટીમ રચવા માટે પ્રશાંત કિશોરે કરેલું સૂચન કોંગ્રેસના કેટલાક મહામંત્રીઓને પસંદ પડ્યું નથી. ઉત્તર પ્રદેશમાં પક્ષમાં પ્રાણ ફૂંકવાના કિશોરના પ્રયાસોથી મધુસૂદન મિસ્ત્રી બેચેન હોવાનું જણાય છે એવો નિર્દેશ સૂત્રોએ આપ્યો હતો.

You might also like