દાહોદના તોફાનમાં બંને પક્ષના એક હજાર સામે ગુનો દાખલ

દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત કચેરીના સભા ખંડમાં ગત સાંજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મળેલ સામાન્ય સભામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે પહેલાં જ ઉપસ્થિત ભાજપના ૨૪ સભ્યોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવી સભા ખંડની બહાર નીકળી નીચે આવી જતાં પંચાયત ભવન સામે ઉભેલા બંને પક્ષોના સમર્થકોના ટોળાં સામ સામે આવી પથ્થરમારો કરી તોડફોડ કરી આગચંપી કરી હતી.

એક લકઝરી બસ તથા બે ફોર વ્હીલ વાહનો મળી ત્રણ વાહનો સળગાવી મારી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડના શેડના પતરાં પર પથ્થરમારો કરી તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં, વણસેલી સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ૧૦ જેટલા ટિયરગેસના શેલ છોડયા હતાં અને સ્થિતિ કાબુમાં આવ્યા બાદ બંને પક્ષના કુલ ૧૦૦૦ સમર્થકો વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે દાહોદ જિલ્લા સેવા સદનમાં જિલ્લા પંચાયત કચેરીના સભા ખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની યોજાનાર ચૂંટણી માટે ભાજપ તથા કોંગ્રેસ પક્ષના મળી કુલ ચૂંટાયેલા ૫૦ સભ્યો એકત્રિત થયા હતાં. જેમાં ભાજપના ઉપસ્થિત ૨૪ સભ્યોએ ભારે હોબાળો મચાવી સભા ખંડ છોડી દઇ નીચે આવી જતાં જિલ્લા કલેકટરે ચૂંટણી મુલતવી રાખી હતી જેથી પંચાયત ભવનની બહાર ઉભેલા ભાજપના ૫૦૦ જેટલા સમર્થકોનું ટોળું વિફર્યું હતું અને કોંગ્રેસના સભ્યોને લઇ જવા માટે જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં લાવવામા આવેલ જીજે-૧૮ એક્સ-૨૭૨૧ નંબરની લકઝરી ગાડીને તોડફોડ કરી આગ ચાંપી સળગાવી દેતાં લકઝરી બસની ઉપરથી પસાર થતાં વીજ વાયરો સળગી જતાં જિલ્લા સેવા સદનમાં અંધારપટ છવાયો હતો.

જયારે સામા પક્ષના કોંગ્રેસના ભેગા થયેલ ૫૦૦ સમર્થકોના ટોળાંએ સ્કોર્પિયો ગાડી નં. જીજે-૨૦ એ-૫૪૧૧ નંબરની ગાડી તથા જીજે-૨૦ એ-૪૮૨૫ નંબરની ઝાયલો ગાડી સળગાવી દઇ તેમજ પાર્કિંગના શેડના પતરાં પર પથ્થરમારો કરી તોડફોડ કરી નુકસાન કરી ભારે ધિંગાણું મચાવતા સ્થિતિ ભારે વણસી હતી અને પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસરૂપે ટિયરગેસના ૧૦ જેટલા છોડયા હતાં.
જેથી વિફરેલા બંને પક્ષના ટોળાંએ પોલીસ પર પણ ભારે પથ્થરમારો કરી ધિંગાણું મચાવ્યું હતું. જેને નિયંત્રણમાં લેતા પોલીસને નવરેજા પાણી આવી ગયા હતાં.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.કે. દેસાઇએ દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ભારતીય જનતા પક્ષના ૫૦૦ સમર્થકો તથા કોંગ્રેસ પક્ષના ૫૦૦ સમર્થકો મળી કુલ ૧૦૦૦ લોકોના ટોળાં વિરૂધ્ધ ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૩૭, ૪૨૭, ૪૩૫ તથા ડેમજીસ પ્રોપર્ટી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like