યુપીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા

લખનૌ: ઉત્તર પ્રદેશની લોકસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે બે સીટ માટેના ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ફૂલપુર સીટ પરથી મનીષ મિશ્રા અને ગોરખપુરથી સુરહિતા કરીમને ચૂંટણી જંગમાં ઉતારવામા આવ્યા છે. યુપીની આ પેટા ચૂંટણીને રાજકીય પાર્ટીઓ રિહર્સલ તરીકે જોઈ રહી છે.

યુપીની આ પેટા ચૂંટણીમાં રાજ્યનાં રાજકારણમાં મહત્વનો રોલ ભજવનારી બહુજન સમાજ પાર્ટીના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. કારણ આ બેઠક માટે તે કયા ઉમેદવારની પસંદગી કરે છે તેના પર તમામની મીટ છે. બીજી તરફ આ બેઠક માટે બસપા કોઈ ઉમેદવારને નહિ ઉતારે તેવી પણ ચર્ચા ચાલે છે.

જોકે એક એવી પણ ચર્ચા છે કે ભાજપ ઉમેદવાર જાહેર કરે પછી જ બસપા તેના ઉમેદવાર જાહેર કરશે. તેમ છતાં પક્ષના વરિષ્ઠ નેતાઓ કહે છે કે પાર્ટીએ કોઈ ઉમેદવાર નહિ ઉતારવા નિર્ણય કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસના નેતા રાજ બબ્બરે દાવો કરતાં જણાવ્યુ હતુ કે યુપીની આ બંને બેઠક પર કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે તેમ છે. કારણ આ બેઠક માટે કોંગ્રેસે બે ઉમેદવાર જાહેર કર્યા છે તે સક્ષમ છે.

ભાજપ તરફથી આ બેઠક માટે કયા ઉમેદવારને ઉતારવામાં આવે છે તેના પર હાલ તમામની મીટ મંડાયેલી છે. હાલ યુપીની પેટા ચૂંટણી અંગે રાજ્યમાં ફરી ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

You might also like